Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ખેડા જિલ્લામાં સર્જાયેલ જુદા-જુદા ત્રણ અકસ્માતમાં ત્રણ શખ્સોના મોત

આણંદ : ખેડા -આણંદ જિલ્લામાં જુદા જુદા ત્રણ અકસ્માંતમાં ત્રણના મોત નિપજ્યા હતા.જેમાં જહેલો બનાવ સોજિત્રા-આણંદ રોડ ઉપર ઈસણાવ ગામે એક સ્કુલ સામે સર્જાયેલ કાર અને એક્ટીવાના અકસ્માતમાં એક્ટીવા પર સવાર દંપતિ પૈકી પતિનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે પત્નીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજો બનાવ નેશનલ હાઈવે નં.૮ પર આવેલ આણંદ તાલુકાના રામનગર પાસેના બ્રિજ નજીક ગઈકાલ સમી સાંજના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક કાર ડીવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ જતા કાર ચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રીજો બનાવ નડિયાદમાં મહુધા રોડ પર બિલોદરા નજીક મોટરસાયકલ પાછળ ટેન્કર અથડાતાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નડિયાદ ખાતે રહેતા ગોપાલભાઈ રણછોડભાઈ રાવળ (ઉં.વ.૫૫) ગત તા.૭મીના રોજ સોજિત્રા ગામે માતાજીના નૈવેદ્ય કરવાના હોવાથી પત્ની રમીલાબેનને એક્ટીવા ઉપર બેસાડી નડિયાદથી સોજિત્રા જવા નીકળ્યા હતા. દરમ્યાન તેઓનું ટુવ્હીલર આણંદ-સોજિત્રા રોડ ઉપર ઈસણાવ ગામમાં આવેલા સહજાનંદ ઈન્ટરનેશનલ સ્કુલ સામેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે એક કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફિકરાઈથી હંકારી લાવી તેઓના એક્ટીવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે એક્ટીવા પર સવાર દંપતિ રોડ પર પટકાયું હતું. એક્ટીવા ચાલક ગોપાલભાઈ રાવળને મોઢા તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ મારફતે સારવાર માટે સોજિત્રા સીએચસી ખાતે લઈ જવાતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. પત્ની રમીલાબેનને પણ શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચતા સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ બનાવ અંગે ચિંતનકુમાર ગોપાલભાઈ રાવળે સોજિત્રા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનો બીજે બનાવ અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલ જૈન દેરાસર કર્ણાવતી ક્લબ નજીક રહેતા મહાવીરસિંહ જોરાવરસિંહ વાઘેલા એક ફૂડ કંપનીમાં નોકરી કરતા હતા. ગત રોજ તેઓ કંપનીના કામકાજ અર્થે કાર લઈને વડોદરા જવા નીકળ્યા હતા. સાંજના સાતેક વાગ્યાના સુમારે તેઓની કાર નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ આણંદ તાલુકાના રામનગરના બ્રીજ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે કાર ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારતા સ્ટેરયરીંગ પરનો કાબૂ ગૂમાવી દીધો હતો. જેથી કાર ડીવાઈડર સાથે અથડાઈને છ થી સાત પલટી ખાઈ ગઈ હતી. જેમાં કાર ચાલક મહાવીરસિંહને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળેદોડી આવ્યો હતા. દરમ્યાન સ્થાનિકોએ ૧૦૮ને જાણ કરતા  ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તેઓએ મહાવીરસિંહને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાસદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(6:14 pm IST)