Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ગઠિયાઓ ઘરે પાર્સલ મોકલાવીને પૈસા પડાવી જાય છે: વડોદરાની એક યુવતિના ઘરે પોસ્ટ વિભાગમાંથી એક પરબિડીયું (એન્વેલપ પાર્સલ) આવ્યું હતું: તે સ્વિકારવા માટે પહેલા પૈસા ચુકવવાના હતા: ઘરે હાજર વ્યક્તિએ કંઇ અગત્યનું હોવાનું માનીને પાર્સલ પૈસા આપીને છોડાવ્યું હતુ

ઘરે પરબિડીયું પહોંચાડનાર વ્યક્તિ પોસ્ટ વિભાગમાંથી આવ્યો હોવાનો દાવો કર્યો હતો: જો કે, તેણે પોસ્ટ વિભાગના લોકો જેવો ગણવેશ પહેર્યો ન હતો

વડોદરા: આપણા જીવનમાં ઇન્ટરનેટનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો ઓનલાઇન શોપિંગમાં મોટાભાગે રસ લઇ રહ્યા છે. ત્યારે હવે બીજી બાજુ ગઠિયાઓ પણ લોકોને શિકાર બનાવવા માટે અવનવા રસ્તાઓ અપનાવતા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં વડોદરાની એક યુવતિના ઘરે પોસ્ટ વિભાગમાંથી એક પરબિડીયું (એન્વેલપ પાર્સલ) આવ્યું હતું. તે સ્વિકારવા માટે પહેલા પૈસા ચુકવવાના હતા. ઘરે હાજર વ્યક્તિએ કંઇ અગત્યનું હોવાનું માનીને પાર્સલ પૈસા આપીને છોડાવ્યું હતુ. જેવું પાર્સલ ખોલ્યું કે, અંદર એક કાગળ નિકળ્યું હતું. જ્યાંથી કાગળ મોકલવામાં આવ્યું હતું, ત્યાં ક્યારે પણ કોઇ રીતે સંપર્ક કરવામાં ન આવ્યો હોવાનું ભોગ બનનારે જણાવ્યું છે.
વડોદરાના પોશ વિસ્તારમાં સુકન્યા (નામ બદલ્યું છે) તેના પરિવાર સાથે રહે છે. સુકન્યા તથા તેના પરિવારમાંથી અઠવાડિયે એક વખત ઓનલાઇન શોપિંગ કરવાનું થાય છે. સુકન્યાના માતા પિતા પણ ઓનલાઇન શોપિંગ કરતા હોય છે. તેઓ ઇકોમર્સ વેબસાઇટ પર દિકરી દ્વારા સેવ કરેલા એડ્રેસ પર જ મંગાવી લેતા હતા. એટલે ઘરમાં અઠવાડિયે એક કૂરીયર અથવા પાર્સલ આવવું સામાન્ય વાત હતું. આજે સુકન્યાની ગેરહાજરીમાં તેના ઘરે એક પરબિડીયું આવ્યું હતું. તેના પર તેનું પુરૂનામ સરનામું અને તેના પિતાનો ફોન નંબર લખવામાં આવ્યો હતો. દર વખતની જેમ કોઇ કારણોસર ઓનલાઇન કંઇક મંગાવ્યું હશે તેમ માનીને પરિવારે પરબિડીયું સ્વિકાર્યું હતું. પરબિયડીયાના રૂ. 600 ચુકવવાના હતા. જે પરિવારે ચૂકવી આપ્યા હતા.
રકમ નાની હોવાના કારણે પરિવારે સુકન્યાને ફોન કરીને જાણ કર્યું ન હતું. સુકન્યા ઘરે આવી અને જ્યારે તેણે પરબિડીયું જોયું તો તેના પર એડ્રેસ પોતાના ઘરનું અને ફોન નંબર પિતાનો હતો. આ જોતા તેણી એક વખત વિચારમાં પડી ગઇ. પછી તેણીએ પરબિડીયું ખોલ્યું તો તેમાંથી એક ઘનલક્ષ્મી એટીએમ કાર્ડનું કાગળ નિકળ્યું હતું. આ જોઇને તેણે ઘરમાં ઓનલાઇન શોપિંગ કરતા તમામ સભ્યોને આ અંગે પુછ્યું, તમામે આવું કંઇ મંગાવ્યાનો ઇનકાર કર્યો હતો. આખરે સુકન્યાને છેતરાયાનો અહેસાસ થઇ ગયો. આ અંગે મોકલનારનું સરનામું દિલ્હીના પટેલ નગરનું બતાવે છે. જે જગ્યાના નામે આ મોકલવામાં આવ્યું હતું તે અંગે ઓનલાઇન તપાસ કરતા આ જગ્યાના નામેથી અનેક ઠગાઇના શિકાર બન્યા હોવાનું ઓનલાઇન જોવા મળ્યું હતું.
સુકન્યાએ જણાવ્યું કે, મારા ઘરે પરબિડીયું પહોંચાડનાર વ્યક્તિ પોસ્ટ વિભાગમાંથી આવ્યો હોવાનો દાવો કર્યો હતો. જો કે, તેણે પોસ્ટ વિભાગના લોકો જેવો ગણવેશ પહેર્યો ન હતો. તેને પૈસા મળતા જ તે અમારે ત્યાંથી રવાના થઇ ગયો હતો. ઠગાઇના શિકાર થયા બાદ હવે મને શંકા છે કે, પરબિડીયું પહોંચાડનાર વ્યક્તિ પોસ્ટમાંથી નહિ પણ ગઠિયો હોઇ શકે છે.
આ કેસ સ્ટડી અંગે વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું કે, આ કેસ પરથી સામે આવ્યું કે, આપણા ઓનલાઇન શોપિંગ દરમિયાન અથવા અન્ય સ્ત્રોતથી આપણું નામ, સરનામું, પિનકોડ, મોબાઇલ નંબરની વિગતો કોઇ આપણી જાણ બહાર મેળવી રહ્યું છે. જેનાથી બચવા માટે ઓનલાઇન શોપિંગ દરમિયાન https/ થી શરૂ થતી વેબસાઇટ પર વિગતો શેર કરવી જોઇએ.
વધુમાં મયુર ભુસાવળકર જણાવે છે કે, આજે ઓનલાઇન શોપિંગ કર્યા બાદ ઓપન બોક્સ વિકલ્પ થકી ગ્રાહક વસ્તુ સ્વિકારી શકે છે. ઓપન બોક્સમાં તમે મંગાવેલી વસ્તુ તમારા ઘરે આવે છે. તેને ખોલતા (અનબોક્સ) દરમિયાન કુરીયર પહોંચાડનાર તેની વિડીયોગ્રાફી કરે છે. બોક્સમાંથી તમે મંગાવેલી વસ્તુ મળે તો જ તેને સ્વિકારવું નહિ તો પરત કરવાનું હોય છે. આમ કરવાથી આપણે આ પ્રકારના ફ્રોડથી બચી શકીએ છીએ. ગઠિયાઓથી બચવા માટે સતર્ક રહેવું તે આપણા હાથની વાત છે.
આખરમાં મયુર ભુસાવળકર જણાવે છે કે, ઇકોમર્સ પ્લેટફોર્મ અથવાતો પોસ્ટ વિભાગમાંથી કોઇ પાર્સલ આવવાનુ હોય તો તેમના દ્વારા એસએમએસ મેસેજ મારફતે આ અંગેની જાણકારી આપવામાં આવે છે. આ પણ એક મુદ્દો ધ્યાનમાં રાખવો જોઇએ. આ સિવાય કોઇ ડિલીવરી કરવા આવે તો તે વ્યક્તિની યોગ્ય ખરાઇ કર્યા બાદ જ પાર્સલ સ્વિકારવું જોઇએ. નહિ તો રિટર્ન કરી દેવું હિતાવહ છે. તેની સાથે જો તમે ઠગાઇના શિકાર થયા હોવ તો સ્થાનિક પોલીસ મથકમાં આ અંગેની જાણ અચુક કરવી જોઇએ.

(5:44 pm IST)