Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે જૂના જોગીઓ અને પક્ષપલટો કરીને આવેલા પૂર્વ કોંગ્રેસીઓ દ્વારા રીતસરની પડાપડી

35 જેટલા પૂર્વ કોંગ્રેસીઓ ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે પાર્ટી પર દબાણ કરી રહ્યા છે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પરંતુ આ ચૂંટણીમાં ભાજપને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ દ્વારા હજી સુધી પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નથી આવી. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કયા નેતાને મેદાનમાં ઉતારવા તેના માટેનું મંથન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે જૂના જોગીઓ અને પક્ષપલટો કરીને આવેલા પૂર્વ કોંગ્રેસીઓ દ્વારા રીતસરની પડાપડી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે 35 જેટલા પૂર્વ કોંગ્રેસીઓ ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે પાર્ટી પર દબાણ કરી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક બાદ એક છેડો ફાળીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગઈ કાલે જ કોંગ્રેસના સીનિયર નેતા મોહન રાઠવાએ રાજીનામું આપીને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે કોંગ્રેસને આજે પણ વધુ એક ઝાટકો લાગી શકે છે. જેમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ આજે રાજીનામું આપીને ભાજપમાં જોડાશે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. કોંગ્રેસે 2017થી 2022 સુધીમાં 18 ધારાસભ્ય ગુમાવ્યા છે ચુંટણી અગાઉ કોંગ્રસમાં મોટી ઊથલપાથલ સર્જાઇ છે. પરંતુ તેની વચ્ચે ટિકિટ મેળવવાને લઈને ભાજપના જૂના જોગીઓ રીતસરની પડાપડી કરી રહ્યા છે. તે દરમિયાન જે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે તેવા પૂર્વ કોંગ્રેસીઓ પણ ટિકિટ મેળવવા ધમપછાળા કરી રહ્યા છે. 2017ની ચૂંટણી બાદ પક્ષપલટો કરીને આવેલા 35 જેટલા નેતાઓ હવે ટીકીટ માટે પાર્ટી ઉપર દબાણ કરતા પણ નજરે પડી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે ભાજપ સામે અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. ભાજપને તેના કાર્યકરોને પણ ખુશ રાખવાના છે. અને પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા નેતાઓને પણ રાજી રાખવા છે. આ વખતે ટીકીટ માટે કોંગ્રેસના પૂર્વ નેતાઓના નામોની પણ વિચારવિમર્સ કરવામાં આવે તેમ છે. જેમાં કેટલાક એવા નેતાઓ પણ છે. જેઓ ન તો ચૂંટણી લડ્યા હોય પરંતુ લોકપ્રિયતાનો જોઈને ભાજપ તેમના પર વિશ્વાસ મુકી શકે છે. આગામી ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે પડાપડી કરી રહેલા પૂર્વ કોંગ્રેસી નેતાઓની યાદી લાંબી છે. જેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ પ્રથમ વખત ચૂંટણીમાં નસીબ આજમાવવા જઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાર્દિક પટેલ વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. તેમજ પૂર્વ કોંગ્રેસ અને વર્તમાન ભાજપના નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ ચૂંટણી લડવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે પક્ષ પલટા બાદ તેઓ પેટા ચૂંટણીમાં હારી ગયા હતા. જોકે આવા પૂર્વ કોંગ્રેસી નેતાઓની યાદી પણ લાંબી છે. જેમાં કુંવરજી બાવળિયા, સોમાભાઈ કોળી, બ્રિજેશ મેરજા, હર્ષદ રિબડિયાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કોંગ્રેસથી નારાજગી બાદ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી મે મહિનામાં ભાજપમાં જોડાયેલા અશ્વિન કોટવાલ પણ ટિકિટ લેવા માટે મેદાનમાં જોવા મળી રહ્યા છે. તો પાંચ વખત ધારાસભ્ય રહેલા સી.કે.રાઉલજી વર્ષ 2017માં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. 258 વોટના મામુલી અંતરથી કોંગ્રેસ સામે તેઓની જીત થઈ હતી. તેઓ પણ હાલ ટીકીટ માટે મેદાનમાં જોવા મળી રહ્યા છે. બે વખત ધારાસભ્ય રહિ ચૂકેલા દલિત સમાજના મોટા નેતા પ્રવીણ મારૂ 2020માં ભાજપમાં જોડાયા બાદ તે પણ હવે ભાજપમાંથી ટીકીટ લેવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. જે.વી.કાકડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી 2020ની પેટાચૂંટણીમાં ભાજપના એમએલએ બન્યા હતા. તેઓ ભાજપમાંથી ટીકિટ મેળવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે.
નોંધનીય છે કે ટૂંક સમયમાં ભાજપ દ્વારા તેના ઉમેદવારોની યાદી પણ જાહેર થાય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપમાં જે કોંગ્રેસમાંથી આવ્યા છે તેમાંથી કોણે ટીકીટ આપે છે અને કોણુ પત્તુ કપાય છે.

(5:23 pm IST)