Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ભાજપનો ગઢ ગણાતા ઇડર બેઠકને કબ્‍જે કરવા કોંગ્રેસ અને આપનો મરણીયો પ્રયાસ

ઇડર બેઠક ઉપર સતત પાંચ વખત રમણભાઇ વોરા વિજયી બન્‍યા હતાઃ હાલ હિતુ કનોડિયા ધારાસભ્‍ય

સાબરકાંઠાઃ ઇડર બેઠક પર ભાજપની છેલ્લા 6 ટર્મથી જીત થઇ છે. આ બેઠક ઉપર કોંગ્રેસ અને આપના ઉમેદવારો કબ્‍જે કરવા પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે દરેક રાજકીય પાર્ટીઓએ ધુઆંધાર તૈયારીઓ કરી છે. જેમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ચૂંટણી જંગ વધારે રસપ્રદ બની ગયો છે. તેની વચ્ચે આપણે વાત કરીશું સાબરકાંઠા જિલ્લાની ઈડર બેઠકની. અહીંયા હાલમાં ભાજપનું શાસન છે. છેલ્લી 6 ટર્મથી અહીયા ભાજપના ઉમેદવારની જીત થઈ રહી છે. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ પોતાની સંપૂર્ણ તાકાતથી બેઠક જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ઈડરિયા ગઢ પર કબજો જમાવવાનો પ્રયાસ કરે છે.

ઈડર બેઠક:

સાબરકાંઠા જિલ્લાની ઈડર વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે. આ સીટ પરથી ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ 5 વખત સળંગ જીત મેળવી હતી. રમણલાલ વોરા સતત 5 વખત આ બેઠક પરથી જીત્યા હતા. હાલમાં સ્વર્ગસ્થ અભિનેતા નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા ઈડરના ધારાસભ્ય છે.

2017નું પરિણામ:

2017ની ચૂંટણીમાં હિતુ કનોડિયાએ કોંગ્રેસના મણિભાઈ વાઘેલાને હરાવ્યા હતા. આ સીટ પર 1995થી ભાજપનું શાસન છે. એટલે કે ઈડરિયો ગઢ ભાજપનો ગઢ છે. આ સીટને જીતવા માટે કોંગ્રેસે આકરી મહેનત કરવી પડશે.

ઈડર બેઠકની સમસ્યા:

ઈડર વિધાનસભા વિસ્તારના અનેક ગામડામાં હજુ સુધી પૂરતો વિકાસ થયો નથી. અહીંયા પશ્વિમી વિસ્તારમાં હજુ પણ પાણીની સમસ્યા જેમની તેમ જ  છે. અહીંયા પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી હંમેશાની સમસ્યા રહી છે. જનતાનું કહેવું છે કે ક્ષેત્રના ધારાસભ્ય હિતુ કનોડિયા લોકોને મળતા પણ નથી.

(5:13 pm IST)