Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

નડિયાદમાં ભાવેશભાઇ પટેલના બંધ મકાનને નિશાન બનાવતા તસ્‍કરોઃ દાગીના તથા રોકડ મળીને કુલ 19.75 લાખની ચોરી કરી રીક્ષામાં ફરાર

મુખ્‍ય આરોપી નવઘણ તળપદા આણંદથી બેંગ્‍લોર ચોરી કરવા પ્‍લેનમાં જતોઃ પોલીસ દ્વારા બેંગ્‍લોર પોલીસને જાણ કરાઇ

નડિયાદઃ નડિયાદમાં ભાવેશભાઇ કનુભાઇ પટેલના બંધ મકાનમાં દાગીના તથા રોકડ મળી 19.75 લાખની ચોરી થઇ હતી. મુખ્‍ય આરોપી નવઘણ અને અન્‍ય તેના તરણ સાગરીતને પોલીસે ઝડપી પાડયા છે.

નડિયાદ શહેરના દેસાઈ વગા ખાતે આવેલા એક બંધ મકાનના ચોરી થઈ હતી. ચોરે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ 19.75 લાખની મત્તાની ચોરી કરનાર આરોપી પોતાની ચાલના કારણે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જોકે, પકડાયેલી ટોળકીમાંથી એક ચોરે બેંગલોર તેનુ ચોરી કરવાનું ફેવરિટ સ્થળ હોવાનું જણાવ્યુ હતું. સાથે જ તેણે કહ્યું કે, તે ચોરી કરવા બેંગલોર પ્લેનથી જતો હતો. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

બન્યુ એમ હતું કે, નડિયાદમાં પાંચ ઓરડા દેસાઈ વગોમાં આવેલ દેસાઈ સંસ્કાર કેન્દ્ર નજીક ભાવેશભાઈ કનુભાઈ પટેલ 3 નવેમ્બરના રોજ મકાનને તાળું મારી બહારગામ ગયા હતા. દરમ્યાન ત્રાટકેલા તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તિજોરીઓ ખોલી તેમાં મૂકેલ સોનાના દાગીનાની ચોરી કરી હતી. ચોરે 17.50 લાખનુ સોનુ, 1.25 લાખના ચાંદીના દાગીના અને 1.25 લાખ રોકડા તથા મળી કુલ 19.75 લાખ મત્તાની ચોરી કરી હતી. જે બાબતે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે ઈ.પી.કો. કલમ 457, 380, 114 મુજબનો ગુનો રજિસ્ટર કરી તપાસ હાથ ધરી હતી.

ખેડા એલ.સી.બી તેમજ શહેર પોલીસની ટીમે નડિયાદ ટાઉન તેમજ આજુબાજુના વિસ્તારના 100 થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ ઈન્ફોર્મેશન, હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. જે આધારે ગુનેગારોની વર્તણૂક પોલીસના અનુભવ અને ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સને સાંકળીને જોતા ગુનો એક પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બાબતે ઉંડાણમાં તપાસ કરતા આ ચોરી રીઢા અને જાણીતા ગુનેગારો દ્વારા આચરવામાં આવી હોવાની વિગતો મળતા પોલીસે તપાસને તે દિશામાં વાળી હતી.

પોલીસના હાથે  ઝડપાઈ  ગયેલા આરોપીઓ

    લાલાભાઈ રમણભાઈ તળપદા

    મુખ્ય આરોપી.. નવઘણ  પુંજાભાઈ તળપદા

    બ્રિજેશ ઉર્ફે સોની અશોકભાઈ પંચાલ

    મિતેશભાઈ ભીખાભાઈ તળપદા

કેવી હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી

નડિયાદના ચોરીના બનાવને અંજામ આપવા માટે આ આરોપીઓએ મકાન બંધ છે તે બાબતની સંપૂર્ણ માહિતી મેળવી હતી અને રેકી પણ કરી હતી. ચોરીને અંજામ આપ્યા બાદ રીક્ષામાં ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ મુદ્દામાલના ભાગ પાડી સંતાડી દીધો હતો. તેમજ ઘરફોડ ચોરી કરવા માટે લાવેલ સાધનો તળાવમાં નાંખી દીધા હતા. આરોપીએ બનાવ સમયે પહેરેલ કપડાં પણ સળગાવી દીધા હતા. આ રીતે પૂર્વ આયોજન કરી ગુનાના કામને અંજામ આપ્યો હતો.

ચોરે ચોરી કરવાનું પ્રિય સ્થળ જણાવ્યું

સમગ્ર ઘટનામાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી 80 ટકા મુદ્દામાલ કબ્જે કર્યો છે. બીજી તરફ ઘટનાનો મુખ્ય આરોપી નવઘણ તળપદાનું ચોરી કરવાનું સૌથી પ્રિય સ્થળ બેંગ્લોર હોવાનું પોલીસ સામે કબૂલ્યુ હતું.  તે આણંદથી બેંગ્લોર ચોરી કરવા જવા માટે માત્ર પ્લેનમાં જ અવરજવર કરતો હતો. ત્યારે ખેડા પોલીસ દ્વારા બેંગ્લોર પોલીસને પણ નવઘણ અંગેની માહિતી પહોંચાડી છે. આગામી દિવસોમાં બેંગ્લોરમાં પણ નવઘણના અનડિટે્કેટ ગુનાઓને ભેદ ઉકેલાઈ જવાની શકાયતા ખેડા પોલીસ વ્યક્ત કરી રહી છે.

(5:09 pm IST)