Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ભાજપ ૭મી વખત જીતે તો દેશવ્‍યાપી વિક્રમ, વિશ્વવ્‍યાપી પડઘા

રાજનીતિ કા હર પલ ચૂનૌતિયો સે ભરા હૈ, જીતા વહી હૈ જો ડટ કર ચૂનૌતિયો સે લડા હૈ.... : બંગાળમાં જ્‍યોતિ બસુ સળંગ ૨૩ વર્ષ મુખ્‍યમંત્રી તરીકે રહેલા પણ કેન્‍દ્રમાં જે પક્ષની સરકાર હોય તે જ પક્ષ રાજ્‍યમાં ૭મી વખત બહુમતી મેળવે તો તે અજોડ ઘટના : જીતેલા બેઠકોની સંખ્‍યામાં ચઢાવ - ઉતાર : ગુજરાતમાં ભાજપ ૧૯૯૫ અને ૯૮માં કેશુભાઇના નેતૃત્‍વમાં તથા ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨માં : નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં જીતેલ : ૨૦૧૭માં વિજયભાઇનું : નેતૃત્‍વ હતુ : ૨૦૨૨માં ભૂપેન્‍દ્રભાઇની રાહબરી

રાજકોટ તા. ૯ : સમગ્ર દેશ અને દુનિયાનું ધ્‍યાન ખેંચનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી તા. ૧ અને ૫ ડિસેમ્‍બરે યોજાનાર છે. કુલ ૧૮૨ બેઠકો પૈકી જે પક્ષને ઓછામાં ઓછી ૯૨ અથવા તેથી વધુ બેઠકો મળે તે પક્ષ સત્તા પર આવશે. રાજ્‍યમાં ૧૯૯૫થી છેલ્લી ૬ ચૂંટણી ભાજપ બહુમતીથી જીતે છે. જીતની બેઠકોની સંખ્‍યામાં વધ - ઘટ થતી રહી છે પણ ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્‍યો છે. સળંગ ૬ વખત એક જ પાર્ટીની સરકાર આવે તે ગુજરાતમાં તો વિક્રમ છે જ પણ ૭મી વખત ભાજપ જીતે તો એકથી વધુ દૃષ્‍ટિએ દેશવ્‍યાપી વિક્રમ બનશે અને વિશ્વવ્‍યાપી પડઘા પડશે.

પヘમિ બંગાળમાં સામ્‍યવાદીઓનું શાસન ગુજરાતના ભાજપના શાસન કરતા લાંબુ ચાલેલું ૧૯૭૭થી ૨૦૦૦ના વર્ષ સુધી સળંગ ૨૩ વર્ષ જ્‍યોતિ બસુ મુખ્‍યમંત્રી પદે રહેલા. તે વખતે કેન્‍દ્રમાં તેમના પક્ષની સરકાર નહોતી. ગુજરાતમાં ૧૯૯૫થી રાજપાના એક વર્ષને બાદ કરતા ૨૭ વર્ષથી ભાજપની સરકાર છે અને ૮ વર્ષથી કેન્‍દ્રમાં પણ ભાજપની સરકાર છે. જે પક્ષની સરકાર કેન્‍દ્રમાં હોય તે જ પક્ષની સરકાર ગુજરાતમાં સતત સાતમી વખત જીતે તો એ દેશની રાજનીતિમાં પ્રથમ ઘટના બનશે. ભાજપના કાર્યકરો આવા વિક્રમ માટે આશાવાદી છે.

૧૯૯૫માં પ્રથમ વખત કેશુભાઇ પટેલના નેતૃત્‍વમાં ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર રચાઇ હતી. ૧૯૯૮માં તેનું પુનરાવર્તન થયું હતું. વર્ષ ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨માં નરેન્‍દ્રભાઇ મોદીના વડપણમાં ગુજરાતમાં ભાજપને બહુમતી મળેલ. ૨૦૧૭માં ચૂંટણી વખતે વિજયભાઇ રૂપાણી મુખ્‍યમંત્રી હતા. હવે ૨૦૨૨માં અત્‍યારે ભૂપેન્‍દ્રભાઇ પટેલ મુખ્‍યમંત્રી છે. એમના નેતૃત્‍વમાં જનાદેશ મેળવવા ભાજપ વધુ એક વખત મેદાનમાં છે.

ગુજરાતની ચૂંટણી પછી સવા વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાત એ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇનું ગૃહરાજ્‍ય છે. ગુજરાતનું પરિણામ આખા દેશના રાજકારણ પર અસર કરશે. આ પરિણામની વિશ્વવ્‍યાપી નોંધ લેવાશે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે મુખ્‍ય જંગ છે. મતદારો પુનરાવર્તન કરે છે કે પરિવર્તન ઇચ્‍છે છે તે મત ગણતરીના દિવસ ૮ ડિસેમ્‍બરે ખ્‍યાલ આવશે.

(3:34 pm IST)