Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

દિલ્‍હીમાં કોંગ્રેસના શાસનમાં સ્‍કુલો બનાવી હતી, જેનો ‘આપ' ખોટો જશ પોતે લ્‍યે છેઃ ઇન્‍દ્રનિલ

કેજરીવાલ એન્‍ડ કંપનીને હું ગુજરાતમાં ઘુસવા નહિ દઉઃ પ્રજા ભાજપની બી ટીમને જાકારો આપેઃ બન્ને પક્ષ સામે લોકોનો ઉગ્ર રોષ

રાજકોટઃ આમ આદમી પાર્ટી ખરેખર તો જુઠ્ઠા લોકોની પાર્ટી છે અને પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે ગમે તે હદ સુધી ખોટું બોલી શકે છે તેમ જણાવતા કોંગ્રેસના પૂર્વધારાસભ્‍ય અને સામાજિક અગ્રણી ઇન્‍દ્રનીલ રાજગુરૂએ એક નિવેદનમાં કહયુ છે કે આપના નેતાઓ છાસવારે ગુજરાતમાં આવીને ખોટા વચનોની જે ભ્રમજાળ ફેલાવે છે તે લોકો જાણી ગયા છે અને તેની ચાલમાં ફસાવાના નથી ખોટું બોલવામાં સવાયા નરેન્‍દ્રમોદી સાબિત થયેલા દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલને સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં આવતા અટકાવવા માટે હું સતત પ્રયત્‍નો કરતો રહીશ અને મને આશા છે કે, પ્રજાના સહકારથી જ આવા લોકોને અટકાવી શકાશે.

ઇન્‍દ્રનીલ રાજગુરૂએ એમ પણ જણાવ્‍યુ છે કે, ગુજરાતની પ્રજા ખમીરવંતી પ્રજા છે અને કયારેય મફતની લાલચમાં આવી નથી પ્રજાને લાલચુ સમજવાની આપની માનસિકતા સામે લોકોમાં પણ ઉગ્ર રોષ છે. અરવિંદ કેજરીવાલ પોતાની દરેક સભામાં વીજળીના બીલ માફ કરવાની જાહેરાત કરે છે પણ વાસ્‍તવિકતા જુદી છે. ખોટા વચનો આપીને સતા મેળવી લીધા પછી પ્રજાને શું મળે છે તે પંજાબની પ્રજા બરાબર જાણી ગઇ છે.

અરવિંદ કેજરીવાલ મફત શિક્ષણ આપવાની વાતો કરે છે અને મોડેલ સ્‍કુલ બનાવી હોવાના દાવા કરે છે દિલ્‍હીમાં જયારે શીલા દિક્ષીત મુખ્‍યમંત્રી હતા ત્‍યારે તેમણે જે સ્‍કુલો બનાવી હતી તે આજે પણ મોડેલ સ્‍કુલ તરીકે ઓળખાય છે. તેમણે કોંગ્રેસના શાસનમાં જ ેસ્‍કુલો બનાવી હતી તે આજે પણ અવ્‍વલ છે અને આમ આદમી પાર્ટી ખોટો જશ ખાટવાનો પ્રયાસ કરે છે.

આમ આદમી પાર્ટીના જુઠનો પરપોટો બહુ જલ્‍દી ફુટી ગયો છે અને લોકો વાસ્‍તવિકતા જાણી ગયા છે આવી સ્‍થિતિમાં આમ આદમી પાર્ટીને સર્વત્ર જાકારો મળી રહયા છે અને તેના તાજા દાખલા રાજકોટ અને જામનગર જિલ્‍લાનાં રોડ શો છે. આ રોડ શોમાં પ્રજાએ આવા જુઠાના સરદારને જાકારો જ આપ્‍યો હતો. કેજરીવાલ ગુજરાતમાં આવીને જુદી જુદી ગેરેંટી આપી રહયા છે પણ તેમની સરકાર જ બનવાની નથી ત્‍યારે આવી ગેરેંટી આપવાનો કોઇ અર્થ નથી, ગુજરાતની પ્રજા કેજરીવાલ એન્‍ડ પાર્ટીને જાકારો આપે અને ગુજરાતને ખોટા વચનોથી બચાવે. તેમણે ઉમેર્યુ કે, કોંગ્રેસ હંમેશા નીતિમાં ચાલતો પક્ષ છે અને પ્રજાને ખોટા વચનો આપવાને બદલે વાસ્‍તવિક કામ કરીને સુખ સુવિધા આપવામાં આવે છે.

જયાં સુધી ગુજરાતની વાત છે તો હું એટલું જ કહીશ કે અહી ભાજપે ગુજરાતના હાલ બેહાલ કર્યા છે. ગુજરાત ઉપર આર્થિક દેણું વધુ ગયુ છે અને લોકોને વિકાસના ભ્રમમાં રાખવામાં આવી રહયા છે. ભાજપ દ્વારા જાત જાતના ગતકડા દ્વારા લોકોનું ધ્‍યાન ભટકાવાઇ રહયું છે તેમ જણાવતા ઇન્‍દ્રનીલ રાજગુરૂએ એમ પણ કહયુ કે, એક માત્ર કોંગ્રેસ પક્ષ જ નીતિ મુજબ ચાલનારો પક્ષ છે અને તે જ ખરા અર્થમાં ગુજરાતનો વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમ યાદીમાં અંતમાં જણાવાયુ છે.

(3:31 pm IST)