Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

યુવાનોમાં થનગનાટ : સૌરાષ્ટ્ર - કચ્છમાં ૨૯ વર્ષ સુધીના ૨.૩૫ લાખ મતદારો

૧૮ થી ૧૯ વર્ષ સુધીના સૌથી વધુ ૧૫૪૨૦ મતદારો કચ્છમાં અને સૌથી ઓછા ૬૦૯૯ પોરબંદરમાં : રાજકોટ શહેર - જિલ્લામાં ૧૫૨૮૯ નવા યુવા મતદારો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૯ : વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ બનતો જાય છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરે છે તો કયાંક મોટા પાયે વિરોધી વંટોળ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં યુવા મતદારોની વાત કરીએ તો ૧૮-૧૯ વર્ષના ૪૬૧૪૯૪ નવા નોંધાયા છે. જ્યારે ૨૦ થી ૨૯ વર્ષના ૪૦૩૧૬૦ નોંધાયા છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં ૧૮ થી ૧૯ વર્ષના ૧,૨૮,૨૩૬ અને ૨૦ થી ૨૯ વર્ષની વયના ૧,૦૭,૧૯૮ સહિત કુલ ૨,૩૫,૪૩૪ મતદારો નોંધાયા છે.
હવે આપણા સૌરાષ્ટ્રમાં નવા નોંધાયેલા યુવા મતદારો તરફ જોઇએ તો ૨૦૨૨ની ચૂંટણીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
નવા નોંધાયેલા આ યુવા મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ યુવા મતદારો કયા મુદ્દાઓ સ્વીકારી મતદાન કરશે તે જોવાનું રહ્યું.
યુવા મતદારો મોંઘવારી, રોજગારી, શિક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ ધ્યાને લઇ મતદાન કરે તો ચૂંટણીના પરિણામ ઉપર ખૂબ જ મોટી અસર કરે તેમ દેખાઇ રહ્યું છે.
આ મુદ્દાઓ ગંભીરતાથી વિચાર કરે તો સત્તાધારી પક્ષને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે તેવી શકયતાઓ દેખાઇ રહી છે.
બીજી તરફ જોઇએ તો ૩૦ વર્ષથી ઉપરના મતદારો ખાસ કરીને મોંઘવારી મુદ્દે વિચારીને મતદાન કરશે તેમ જોવા છે. આ મતદારોએ છેલ્લા ૨૫ વર્ષનું સત્તાધારી પક્ષનું શાસન જોયું છે માટે આ મતદારો પણ ખૂબ જ નિર્ણાયક ગણાશે. આ મતદારોએ સરકારના વહીવટી તંત્ર ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

 

(11:43 am IST)