Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ગુજરાતમાં કિંગ મેકર છે ‘OBC વોટ બેંક' પણ પાટીદારો ધરાવે છે સત્તા પર વર્ચસ્‍વ

ભલે સરકારો વિકાસની વાતો કરતી પણ આખરે ઉમેદવારો જ્ઞાતિ સમીકરણોને આધારે ગોઠવાય છે : OBC ૫૨% જયારે, ક્ષત્રિય અને અન્‍ય ઉચ્‍ચ વર્ગ-૧૪%, પાટીદાર-૧૬%, દલિત-૭%, આદિવાસી-૧૧%, મુસ્‍લિમ-૯% છે. ક્ષત્રિય સમાજની વસ્‍તી પણ ૧૬ ટકાની આસપાસ છે

નવી દિલ્‍હી,તા.૯ : ચૂંટણીઓ હંમેશાં જ્ઞાતિ સમીકરણોને આધારે જ લડાય છે. ભલે સરકારો વિકાસની વાતો કરતી પણ આખરે ઉમેદવારો જ્ઞાતિ સમીકરણોને આધારે ગોઠવાય છે અને એ આધારે જ ચૂંટણીના વિશ્‍લેષણની સાથે ગણિતો મંડાય છે.  વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ હંમેશાં ઓબીસી, દલિત, પાટીદાર અને લઘુમતી સમુદાય પર દાવ રમે છે. આ વ્‍યૂહરચના ભૂતપૂર્વ મુખ્‍ય પ્રધાન માધવસિંહ સોલંકીના ખામ (ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્‍લિમ) સિદ્ધાંત જેવી છે. આ સમીકરણ દ્વારા ૧૯૮૫માં કોંગ્રેસે રેકોર્ડ ૧૪૯ બેઠકો જીતી હતી. આ રેકોર્ડને બ્રેક કરવા માટે અમિત શાહ અને મોદી દર વખતે પ્‍લાનિંગો કરે છે પણ ફેલ રહે છે.

ગુજરાતનું જ્ઞાતિ સમીકરણ અન્‍ય રાજયો કરતા એકદમ અલગ છે. ગુજરાતમાં સૌથી વધુ પછાત જાતિ આવેલી છે. રાજયની વસ્‍તીમાં ૫૨ ટકા મતદારો ૧૪૬ પછાત જાતિમાંથી આવે છે. રાજયની ૬.૫ કરોડની વસ્‍તીમાંથી ૫૨ ટકા લોકો પછાત વર્ગના (OBC) છે. રાજયમાં ૧૪૬ જાતિઓને OBC હેઠળ આવરી લેવાયેલ છે. આવી સ્‍થિતિમાં, પછાત વર્ગની આ જાતિઓ જ નક્કી કરે છે કે ગુજરાતમાં કોણ સત્તા પર કબજો કરશે. એટલે જ ઓબીસી સમાજ હંમેશાં પ્રભુત્‍વ ધરાવે છે. આમ છતાં ગુજરાતની કઠણાઈ એ છે કે ઓબીસી સમાજનું પ્રભુત્‍વ હોવા છતાં ૧૬ ટકા વસતી ધરાવતા પાટીદારો હંમેશાં ગુજરાત પર રાજ કરે છે. આર્થિક અને સામાજિક રીતે સક્ષમ આ સમાજ ગુજરાત પર અનોખુ પ્રભુત્‍વ ધરાવે છે. 

રાજયમાં પટેલ સમાજની વસ્‍તી ૧૬ ટકા છે. પરંતુ આ જાતિ સૌથી શક્‍તિશાળી માનવામાં આવે છે. આવી સ્‍થિતિમાં ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ૫૨ % પછાત જાતિઓને પોતાના તરફ આકર્ષવા માટે ભાજપ અને કોંગ્રેસે પોતપોતાની રીતે પ્રયાસો શરૂ કર્યા છે. કોંગ્રેસે આદિવાસી અને ઠાકોર સમાજના ગણિતોને આધારે ઉમેદવારો ફાયનલ કર્યા છે. આપ પણ આ જ સમીકરણોને આધારે ચાલી રહી છે.

ગુજરાતમાં સીએમ કેન્‍ડિડેટના ઉમેદવાર ઈસુદાન ગઢવીને બનાવી આપે ઓબીસી સમુદાયને સાધવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં ગઢવીઓનું વર્ચસ્‍વ ના હોવા છતાં આમ આદમી પાર્ટી ઓબીસી અને પાટીદારનું સમીકરણ ગોઠવી રહી છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પાટીદાર સમાજના છે. આમ આપે પણ જ્ઞાતિ સમીકરણો ગોઠવ્‍યા છે.

ગુજરાતમાં સત્તા પર પાછા ફરવા માટે કોંગ્રેસ ઓબીસી, દલિત અને આદિવાસી વોટ બેંક પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી છે. આ કારણે ૨૦૨૨ની ચૂંટણી પહેલા કોંગ્રેસે જગદીશ ઠાકોરને કમાન સોંપી છે. જયારે આદિવાસી મતો માટે સુખરામ રાઠવા પર વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે. રાજયમાં જાતિની વસ્‍તીની ટકાવારી સમજીએ તો ગુજરાતમાં જ્ઞાતિની વસ્‍તીની વાત કરીએ તો OBC ૫૨ % છે, જયારે, ક્ષત્રિય અને અન્‍ય ઉચ્‍ચ વર્ગ-૧૪ %, પાટીદાર-૧૬ %, દલિત-૭ %, આદિવાસી-૧૧%, મુસ્‍લિમ-૯% છે. ક્ષત્રિય સમાજની વસ્‍તી પણ ૧૬ ટકાની આસપાસ છે. જો કે રાજયમાં દલિત વસ્‍તી ૭ ટકા હોવાનું માનવામાં આવે છે.

(12:23 pm IST)