Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ભાજપ માટે અમદાવાદ શહેરની ૧૦ બેઠકોમાં અસમંજસ : રિપીટ કે નવા ચહેરા ? મનોમંથન

છેલ્લી બે ટર્મથી આ બેઠકો ઉપર ઉમેદવાર બદલ્‍યા નથી

અમદાવાદ,તા. ૯ : ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. આપની એન્‍ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે. આ વખતે બે તબક્કામાં ચૂંટણી યોજાશે.અમદાવાદમાં ૫ ડિસેમ્‍બરે ચૂંટણી યોજાવાની છે. ત્‍યારે ભાજપમાં ઉમદવારોને લઈને હજુ પણ અસમંજસ છે.ᅠ

અમદાવાદ શહેરની ૧૬માંથી ૧૦ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ૨ ટર્મથી ઉમેદવારો બદલ્‍યા જ નથી. બીજી તરફ અમદાવાદ શહેરમાં કોંગ્રેસે બંને ટર્મમાં દરિયાપુર અને દાણીલીમડા પર જ ઉમેદવાર બદલ્‍યા નથી. ભાજપ દ્વારા અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં નવું સીમાંકન અમલમાં મૂકવામાં આવ્‍યું હતું. આ પછી બે વખત વર્ષ ૨૦૧૨ અને વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે ૧૬માંથી ૧૦ સીટો પર ઉમેદવારોને રિપીટ કર્યા હતા.

ભાજપે નરેન્‍દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ અને આનંદીબેનની બેઠક પર નવી પસંદગી કરવી પડી હતી. જયારે મોટાભાગની તમામ બેઠકો પર જ્ઞાતિવાદી સમીકરણના આધારે જ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્‍યા હતા.

છેલ્લી ૨ ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નિકોલ, ઠક્કરનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, સાબરમતી અને જમાલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારોને બદલ્‍યા નથી. એટલે કે ભાજપે આ બેઠકો પર છેલ્લી ૨ ટર્મથી ઉમેદવારોને રિપીટ કર્યા છે. જોકે, આ વખતે આ ચિત્ર બદલાશે કે કેમ તે અંગે અસમંજસ છે. ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. જયારે આપ આદમી પાર્ટીએ અત્‍યાર સુધીમાં ૧૨ યાદી જાહેર કરી દીધી છે. તો કોંગ્રેસે પણ ૪૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.ᅠ

દિલ્‍હીમાં આજે પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં સીએમ ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહેશે. પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર આજે અંતિમ મહોર વાગી શકે છે. મળતી માહિતી અનુસાર, ૧૦૦ બેઠકો પર ૩-૩ ઉમેદવારોની પેનલ તૈયાર કરાશે. ત્‍યારે આ વખતે ભાજપ વધુ ટિકિટ નવા ચહેરાઓને આપી શકે છે. આ વખતે અનેક દિગ્‍ગજ નેતાઓની પણ ટિકિટ કપાઇ શકે છે.

(12:23 pm IST)