Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

કોંગ્રેસને વધુમાં વધુ ૧૪૯ અને ભાજપને વધુમાં વધુ ૧૨૭ બેઠકો મળેલ

માધવસિંહ સોલંકીનો રેકોર્ડ કોઇ તોડી શકયુ નથી : ભાજપને ગોધરાકાંડ વખતે મહત્તમ ૧૨૭ બેઠકો મળેલી : આપણે જીત્‍યા તો ગાંધીનગર જઇશુ, રાજ મળે તો ઠીક નહિતર ‘ટેકા' આપી મજા કરશુ

રાજકોટ તા. ૯ : રાજ્‍યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોના રાજકીય પક્ષોના ઉમેદવારો એક-બે દિવસમાં જાહેર થવાની તૈયારી છે. મુખ્‍યત્‍વે ભાજપ - કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે સ્‍પર્ધા દેખાય છે. છેલ્લી ૬ ચૂંટણીથી ગુજરાતમાં ભાજપના બહુમતી મળે છે. આ વખતે ભાજપે ૧૫૦થી વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક રાખ્‍યો છે. કોંગ્રેસ ૧૨૫ બેઠકો મેળવવાનો દાવો કરે છે. આમ આદમી પાર્ટીએ જીતના લક્ષ્યાંકનો આંકડો જાહેર નથી કર્યો પણ બહુમતીથી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કોને કેટલી બેઠકો મળે છે તે ૮ ડિસેમ્‍બરે પરિણામ વખતે ખબર પડશે પરંતુ ભૂતકાળ પર નજર કરીએ તો છેલ્લા ૬૦ વર્ષમાં કોંગ્રેસને વધુમાં વધુ ૧૪૯ અને ભાજપને વધુમાં વધુ ૧૨૭ બેઠકો મળી છે.

૧૯૮૦માં કોંગ્રેસને ૧૪૧ અને ભાજપને ૯ તથા અન્‍ય પક્ષો અને અક્ષપોને ૩૨ બેઠકો મળેલ. ૧૯૮૫માં ૧૮૨ બેઠકોમાંથી ભાજપને ૧૧ અને કોંગ્રેસને માધવસિંહ સોલંકીના નેતૃત્‍વમાં ૧૪૯ બેઠકો મળેલ. આ રેકોર્ડ હજુ સુધી કોઇ પક્ષ તોડી શક્‍યો નથી. તે વખતે અન્‍ય પક્ષો અને અપક્ષોને ૨૨ બેઠકો મળેલ. ૧૯૯૦માં કોંગ્રેસને ૩૩, જનતા દળને ૭૦, ભાજપને ૬૭ બેઠકો મળેલ. ૧૯૯૫માં કેશુભાઇ પટેલના નેતૃત્‍વમાં ભાજપને ૧૨૧ અને કોંગ્રેસને ૪૫ તથા અપક્ષોને ૧૬ બેઠકો મળી હતી. ખજૂરાહો કાંડ પછી મધ્‍યસત્રી ચૂંટણી આવતા ૧૯૯૮માં ભાજપને ફરી કેશુભાઇના નેતૃત્‍વમાં ૧૧૭ અને કોંગ્રેસને ૫૩ બેઠકો મળેલ. તે વખતે અપક્ષો અને અન્‍ય પક્ષોના ફાળે ૧૨ બેઠકો આવેલ.

૨૦૦૨માં ગોધરાકાંડ પછી વિધાનસભાનું ૬ મહિના વહેલુ વિસર્જન કરાવી નાખવામાં આવેલ. તે વખતે નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં ભાજપને ૧૨૭ બેઠકો મળેલ ત્‍યારે કોંગ્રેસને ૫૧ બેઠકો મળી હતી. અપક્ષો અને અન્‍ય પક્ષોના ફાળે ૪ બેઠકો ગઇ હતી. ભાજપનો સૌથી વધુ બેઠકો મેળવવાનો આ વિક્રમ છે. ૨૦૦૭માં ભાજપને ૧૧૭ અને કોંગ્રેસને ૫૯ તથા અન્‍યને ૬ બેઠકો મળેલ. ૨૦૧૨માં ભાજપને ૧૧૫, કોંગ્રેસને ૬૧ અને અન્‍યને ૬ બેઠકો મળી હતી. ૨૦૧૭માં વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વમાં ભાજપને ૯૯ અને અન્‍યને ૫ તથા કોંગ્રેસને ૭૭ બેઠકો પર જીત મળી હતી. તે વખતનો આંકડો ૧૯૯૦ પછી ભાજપ માટે સૌથી નાનો અને કોંગ્રેસ માટે સૌથી મોટો આંકડો હતો. ૨૦૧૭માં ભાજપને બહુમતી માટે જરૂરી બેઠકો કરતા માત્ર ૭ બેઠકો જ વધુ મળી હતી. સમયાંતરે કોંગ્રેસના ધારાસભ્‍યોના પક્ષ પલ્‍ટા કરાવી પેટાચૂંટણી ભાજપના નિશાન પર જીતાડી હાલ સંખ્‍યાબળ ૧૧૧ પર પહોંચાડયું છે. હવે ૨૦૨૨માં કોને કેટલી બેઠકો મળે છે તેના માટે ૮ ડિસેમ્‍બર સુધી રાહ જોવી પડશે.

(10:56 am IST)