Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત

આણંદ રેલ્‍વે સ્‍ટેશન નજીક મુંબઇ જતી સેમી હાઇ સ્‍પીડ વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેનની ટક્કરથી ૫૪ વર્ષીય મહિલાનું મૃત્‍યુ

આણંદ તા. ૯ : આણંદ રેલ્‍વે સ્‍ટેશન નજીક મંગળવારે મુંબઈ જતી સેમી-હાઈ-સ્‍પીડ વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેનની ટક્કરથી ૫૪ વર્ષીય મહિલાનું મૃત્‍યુ થયું હતું. રેલવેના અધિકારીએ જણાવ્‍યું હતું કે, પીડિતાની ઓળખ બીટ્રિસ આર્ચીબાલ્‍ડ પીટર તરીકે થઈ છે. તેમણે જણાવ્‍યું કે, અકસ્‍માત સાંજે ૪.૩૭ વાગ્‍યે થયો હતો અને તે સમયે મહિલા ટ્રેક ક્રોસ કરી રહી હતી.

તેમણે જણાવ્‍યું કે, અમદાવાદમાં રહેતી પીટર આણંદમાં એક સંબંધીને મળવા જતી હતી. ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્‍ટેશનથી મુંબઈ સેન્‍ટ્રલ જઈ રહી હતી. અધિકારીએ જણાવ્‍યું કે, આણંદમાં ટ્રેનનું કોઈ રોકાણ નથી અને આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ ટ્રેનનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ૩૦ સપ્‍ટેમ્‍બરે ધ્‍વજવંદન કરીને કર્યું હતું. છેલ્લા એક મહિનામાં, ટ્રેનની અડફેટે આવીને પાટા પર ઢોર મરવાના ઓછામાં ઓછા ત્રણ બનાવો બન્‍યા છે.

આ અગાઉ, ગુજરાતમાં વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેન સાથે વારંવાર ઢોર અથડામણથી થતી દુર્ઘટનાને લઈને હવે RPFએ ગામડાના સરપંચોને ચેતવણી આપી છે. રેલવે સુરક્ષા દળે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગામડાના સરપંચોને નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે, તેઓ ટ્રેનના રૂટના રેલ પાટા પર પશુ ન જાય, તેની વ્‍યવસ્‍થા કરે. આરપીએફ અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે, નોટિસમાં ચેતવણીમાં આપવામાં આવી છે કે, કોઈ પશુ માલિકની બેજવાબદારી જોવા મળી તો, તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(10:24 am IST)