Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

મોનાર્કનો નફો ૪૨.૩૩ ટકા વધી ૧૮.૪૩ કરોડ નોંધાયો

મોનાર્ક નેટવર્થના વૃદ્ધિસભર પરિણામો રહ્યા : એમએનસીએલને કોર્પોરેટ એજન્સી તરીકેનું લાઇસન્સ મળ્યું : મર્ચન્ટ બેન્કીંગ સર્વિસ માટે વિસ્તાર થઇ રહ્યો છે

અમદાવાદ,તા. ૯ : અમદાવાદની ફાયનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર કંપની મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ(એમએનસીએલ)એ તા. ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ પૂરા થતા નાણાંકિય વર્ષમાં કોન્સોલિડેટેડ ધોરણે મજબૂત પરિણામો દર્શાવ્યા છે. એમએનસીએલ દ્વારા અગાઉના નાણાંકિય વર્ષની તુલનામાં ૩૦.૨૭ ટકા વૃદ્ધિ સાથે રૂ. ૯૪.૫૮ કરોડની વિક્રમ આવક નોંધાવવામાં આવી છે. કંપનીની વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની કન્સોલિડેટેડ કમાણી, ૨૦.૪૨ ટકાના માર્જીન સાથે ૨૪.૭૨ કરોડ થઈ છે. કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો અગાઉના વર્ષની તુલનામાં ૪૨.૩૩ ટકા વધીને રૂ. ૧૮.૪૩ કરોડ થયો છે. આ મુજબ કંપનીનો સ્ટેન્ડએલોન ચોખ્ખો નફો ૩૩.૬૬ ટકા વધીને રૂ. ૧૫.૬૬ કરોડ થયો છે અને કુલ આવક રૂ. ૭૮.૯૮ કરોડ થઈ છે એમ એમએનસીએલના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર વૈભવ શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીનાં પરિણામો કંપનીની પ્રગતિ મૂજબ જ રહ્યાં છે. કંપનીની આવકમાં જે વૃદ્ધિ જોવા મળી છે તે વર્તમાન કલાયન્ટસ જાળવી રાખવાની સાથે સાથે નવા ક્લાયન્ટસ હાંસલ કરવાને કારણે છે. અમે મહત્વનાં સ્થળોએ અમારી ક્વોલિટી સેલ્સ ટીમમાં સતત ઉમેરો કરી રહ્યા છીએ. તેનાથી વિતેલા નાણાંકિય વર્ષમાં અમારા ડીસ્ટ્રીબ્યુશન બિઝનેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અમારા મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં અનેક ગણો વધારો કર્યો છે. એમડી વૈભવ શાહે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી વર્ષોમાં નાના અને મધ્યમ કદનાં એકમો (એસએમઇએસ)માટે શેરબજારમાં તેજી દેખાઈ રહી છે. અમે એસએમઇ પોતાનાં આઈપીઓ આયોજનો પાર પાડી શકે તે માટે અમારી મર્ચન્ટ બેંકીંગ સર્વિસ પણ વિસ્તારી રહ્યા છીએ. અમને કોર્પોરેટ એજન્સી લાયસન્સ પણ પ્રાપ્ત થયું છે અને અમે હવે આક્રમકતાથી ઈન્સ્યોરન્સ સેગમેન્ટમાં આગળ વધી રહ્યા છીએ.

મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ એ, મોનાર્ક ગ્રુપ ઓફ કંપનીઝ અને નેટવર્થ સ્ટોક બ્રોકીંગ લિ. નામની બે અગ્રણી ફાયનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર્સનું વ્યુહાત્મક જોડાણ છે. બે દાયકા કરતાં વધુ સમયથી સ્માર્ટર ફાયનાન્સિયલ પ્રોડકટસ અને વ્યુહરચનાઓ તૈયાર કરીને અમલમાં મુકીને એમએનસીએલ ભારતમાં અગ્રણી અને ભરોસાપાત્ર ફાયનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર તરીકે ઉભરી આવી છે. અમે રોકાણકારોને ઉત્તમ સર્વિસ પૂરી પાડવા માટે ટેકનોલોજી અપગ્રેડ કરવામાં અને માળખાગત સુવિધાઓ વિસ્તારવામાં સતત ધ્યાન આપી રહ્યા છીએ. એમએનલીએલએ આઈએસઓ સર્ટિફાઈડ કંપની છે, જે ભારતમાં ૬૪ બ્રાન્ચ ઓફિસોનું સંચાલન કરે છે અને તે દેશભરમાં આંદાજે ૨ લાખ ક્લાયન્ટસને સર્વિસ પૂરી પાડી રહી છે.

(9:16 pm IST)