Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

અમદાવાદઃ ઘરની બહાર વેપારી પાસેથી છ લાખની દિલધડક લૂંટ થઈ

અસલાલી પોલીસની સીસીટીવીના આધારે તપાસઃ વેપારી દુકાનથી ઘેર આવી એકટીવા પાર્ક કરી રહ્યા હતા ત્યારે બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ

અમદાવાદ,તા.૯: અમદાવાદ બારેજા હાઇવે પર આવેલી સોસાયટીમાં રહેતા એક વેપારીને ઘરની બહારથી જ લૂંટી લેવાયો હોવાની ઘટના સામે આવી છે. વેપારી દુકાનેથી ઘરે આવી બહાર એક્ટિવા પાર્ક કરતા હતા બાઈક પર આવેલા બે શખ્સ રૂ. છ લાખ ભરેલા થેલાની લૂંટ કરી ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અસલાલી પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. થેલામાં છ લાખ રૂપિયા હોવાની આરોપીઓને જાણ હોવી જોઇએ અને તેથી તેમણે આ અંગે અગાઉથી જાણકારી રાખી હશે અને વેપારીની રેકી કરી હશે તેવું પોલીસનું માનવું છે, તેથી પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.        આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ બારેજા હાઇવે પર આવેલી શિવપુર સોસાયટીમાં ગિરીશભાઈ વાડીલાલ પટેલ (ઉ.વ.૬૧) પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ બારેજા ગામમાં પાન- મસાલાની ચીજ વસ્તુઓની એજન્સી ધરાવી વેપાર ધંધો કરે છે. ગઈકાલે રાતે આઠેક વાગ્યે તેઓ દુકાનેથી ઘરે આવવા નીકળ્યા હતા. સાડા આઠ વાગ્યાની આસપાસ તેઓ તેમની સોસાયટીમાં ઘર પાસે પહોંચ્યા હતા. દરમ્યાનમાં સોસાયટીમાં બાઈક પર બે અજાણ્યા શખ્સ આવ્યા હતા. ગિરીશભાઈ ઘરની બહાર એક્ટિવા પાર્ક કરતા હતા ત્યારે બાઈક પર આવેલા બે શખ્સમાંથી એક શખ્સ તેમની પાસે આવ્યો હતો અને અચાનક જ રૂ. છ લાખ રોકડ, અગત્યના કાગળો અને ચાવી ભરેલો થેલો ઝૂંટવી બાઈક પર બેસી ફરાર થઇ ગયા હતા.

લૂંટ થતા ગિરીશભાઈએ બુમાબુમ કરી હતી જેથી સોસાયટીના રહીશો બહાર દોડી આવ્યા હતા. જો કે, લૂંટારુઓ બાઈક પર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસને જાણ કરાતાં અસલાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આસપાસના અને રોડ પરના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે સ્થાનિક રહીશોના પણ નિવેદન લઇ પૂછપરછ હાથ ધરી હતી.

(6:50 pm IST)
  • શિવસેનાએ ભાજપનુ નાક દબાવ્યું: વિધાનસભાની ર૮૮ બેઠકોમાંથી ૧પર બેઠકો માંગીઃ ભાજપને ૧૩૬ બેઠકોની ઓફરઃ સીએમ પણ ઉધ્ધવ પોતાના પક્ષના ઇચ્છે છે જો કે ભાજપ ૧૩૦ થી વધુ બેઠક આપવાના મુડમાં નથી. access_time 3:49 pm IST

  • લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો રાજકારણથી મોહભંગ : બધુ છોડી દ્વારકા જવાની વ્યકત કરી ઇચ્છાઃ પોતે રાધા-કૃષ્ણના પરમ ભકત હોવાનો કર્યો દાવોઃ ટવીટ કરી કહયું કે અર્જુનને હસ્તીનાપુરની ગાદી પર બેસાડી અને ખુદ હું દ્વારકા ચાલ્યો જાઉ. access_time 3:57 pm IST

  • તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશ પર મુકવામાં આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજીના બે ચહેરાવાળા પુતળાને લઈને ભારે વિવાદ થયો છે. આ પુતળું "મોહન થી મહાત્મા" ની સફરને ઉજાગર કરે છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઇકમિશનરે પુતળાનેને અજાયબી ગણાવી છે, તો બીજી બાજુ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વિટ દ્વારા રોષ ઠાલવ્યો હતો કે "બે ચહેરાઓ, નોનસેન્સ! તોડી નાખવું જોઇએ." access_time 10:47 am IST