Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

દહેજમાં કારની માગ કરનાર સાસરિયાની સામે ફરિયાદ

પતિ દારુ પીને ગાળો બોલતો અને માર મારતો હતો : પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાની સાથે પહેરેલા કપડે ઘરમાંથી બહાર કાઢી મુકાયાની ફરિયાદ

અમદાવાદ,તા.૯ : એક તરફ કોરોના મહામારી માઝા મૂકી રહી છે તો બીજી તરફ પારિવારિક ઝઘડા અને કંકાશ ઘટવાનું નામ નથી લઈ રહ્યા અમદાવાદમાં વધુ એક ઘટના બની છે જેમાં સાસરિયાની દહેજમાં કારની માગણી ના સંતોષાતા પરિણીતાને પતિ અને સાસરિયા દ્વારા ત્રાસ આપીને તગેડી દેવાઈ છે. આ ઘટના અંગે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગતો મુજબ ૩૧ વર્ષની માધુરી (નામ બદલ્યું છે) પાસે તેના સાસરિયા તથા પતિ દ્વારા દહેજમાં કારની માગણી કરી હતી, આ સાથે તેના પર શંકાઓ રાખીને, મહેણા-ટોણા મારીને, ગાળો દઈને મારી નાખવાની ધમકી આપી હતી. અમદાવાદ શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચેલી માધુરીએ જણાવ્યું કે, મારા લગ્ન વર્ષ ૨૦૧૨માં સમાજના રિવાજ પ્રમાણે થલતેજમાં રહેતા જય ચરણજીત અરોરા સાથે થયા હતા, માધુરી સાસુ (પ્રિતી ઉર્ફે સરલાબેન ચરણજીત અરોરા પુણ્યાણી) અને સસરા (ચરણજીત રામદાસ અરોરા પુણ્યાણી) સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના ૬ મહિના સુધી બધું સારું ચાલ્યા પછી મારા પતિ મારા ઉપર શક-વ્હેમ રાખીને મારી સાથે ઝઘડો કરતા હતા અને મારામારી કરતા હતા. હાલ પરિણીતા સેટેલાઈટમાં તેની દીકરી સાથે પિતાના ઘરે રહે છે.

               માધુરીના મોટી બહેનના લગ્ન તેના જેઠ સાથે ૨૦૦૯માં થયા હતા, જેમાં તેના પિતાએ ગાડી આપી હતી, જે વાતને લઈને માધુરીને તેના સાસરિયા દ્વારા કહેવામાં આવ્યું કે તને દહેજમાં ગાડી કેમ નથી આપી? ૨૦૧૫માં દીકરીનો જન્મ થયો ત્યારે સાસરિયા દ્વારા દીકરાની અપેક્ષા હતી જેના કારણે તેઓ વારંવાર મહેણા-ટોંણા મારતા હતા અને પાડોશીઓ સાથે વાત નહોતા કરતા દેતા. માધુરીએ ફરિયાદમાં જણાવ્યું કે, પતિને દારુ પીવાની આદત હોવાથી દારુ પીધા પછી મારી સાથે મારામારી કરતા હતા, આ દરમિયાન સાસુ-સસરા પણ પતિનો સાથ આપતા હતા. લોકડાઉન દરમિયાન માધુરીને તેના સાસુ-સસરા અને પતિ દ્રારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને કોઈની સાથે વાત પણ નહોતી કરવામાં દેવામાં આવતી, આ પછી માધુરી જાન્યુઆરી ૨૦૨૧માં બન્ને પરિવારોની સહમતીથી પિયર જવાની હતી પરંતુ પતિએ આનાકાની કરીને તેની સાથે ઝઘડો કર્યો હતો. આ પછી સ્થિતિ વણસી જતા માધુરીએ તેના ભાઈને ફોન કરીને બોલાવ્યો હતો, આ પછી પણ ગાળા-ગાળી અને ઝઘડો થયો હતો. આ દરમિયાન માધુરીએ જણાવ્યું છે કે તેને તથા તેની દીકરીને ઘરમાંથી પહેરેલા કપડા સાથે કાઢી મૂકાયા હતા, આ પછી તેના પતિ દ્વારા તેને મારી નાખવાની ધમકી આપીને કહેવામાં આવ્યું હતું કે, તું તારી રીતે પાછી આવી જા. મહિલાએ પોતાના પર થતા અત્યાચાર અંગે તેના સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

(7:32 pm IST)