Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

કુલ ૧૧૨૮ મૃતક વકીલોના વારસોને ૨૧ કરોડની મદદ

ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા મદદ કરાઈ : મૃતક વકીલોના વારસોને પાંચ લાખ સુધીની સહાય માટે અમારા અસરકારક પ્રયાસો જારી રહ્યા છે : અનિલ કેલ્લા

અમદાવાદ,તા.૯ : ગુજરાત બાર કાઉન્સીલની છેલ્લી ટર્મમાં એટલે કે, ૨૦૧૨થી લઇ ૨૦૧૭ સુધીના પાંચ વર્ષો દરમ્યાન નિધન પામેલા રાજયના ૧૧૨૮ વકીલોના વારસદારોને બાર કાઉન્સીલ દ્વારા રૂ.૨૧ કરોડ જેટલી માતબર રકમની સહાય એડવોકેટ વેલ્ફેર ફંડની સ્કીમ હેઠળ ચૂકવવામાં આવી છે. હાલ એડવોકેટ વેલ્ફેર ફંડની સ્કીમ હેઠળ જો કોઇ વકીલ મૃત્યુ પામે તો તેના વારસદારોને રૂ.ત્રણ લાખ સુધીની સહાય ચૂકવાય છે પરંતુ વકીલોના પરિવારજનોની સુરક્ષા અને કલ્યાણને ધ્યાનમાં લઇ મૃતક વકીલોના વારસોને પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મળે તે પ્રકારના અમારા અસરકારક પ્રયાસો જારી છે એમ ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર ગુજરાત બાર કાઉન્સીલની પ્રતિષ્ઠાભરી ચૂંટણી સંભવતઃ આગામી માર્ચ માસના ત્રીજા કે ૪થા સપ્તાહમાં યોજાય તેવી શકયતા છે. અત્યારસુધીમાં વકીલોના વેરીફિકેશનની પ્રક્રિયા જેટલી સંપન્ન થઇ છે, તે જોતાં રાજયના ૪૯,૫૦૦ વકીલોની મતદાર યાદી લગભગ તૈયાર છે. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન તરીકેના પોતાના કાર્યકાળ દરમ્યાન ગુજરાતભરના વકીલો માટે વેલ્ફેર ફંડની સહાયમાં નોંધપાત્ર વધારો કરનારા અને નોંધનીય કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવનારા શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, સને ૧૯૯૧માં ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એકટની સ્કીમમાં વકીલો મરજિયાતપણે સભ્યો બની શકતા

હતા અને તેથી જે વકીલો સભ્ય હોય તેમના વારસોને રૂ.૨૫ હજાર જેટલી નજીવી મૃત્યુ સહાયની રકમ ચૂકવાતી હતી પરંતુ તા.૧-૯-૨૦૦૩થી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એકટમાં અમેન્ડમેન્ટ કરી દરેક વકીલો માટે આ સ્કીમમાં સભ્ય બનવાનું અને જિલ્લા-તાલુકા કોર્ટથી માંડી ટ્રિબ્યુનલ અને હાઇકોર્ટમાં વેલ્ફેર ફંડની સ્ટેમ્પ લગાવવાનું ફરજિયાત બનાવાયું હતું. ૨૦૦૩ પછી વેલ્ફેર ફંડના સ્ટેમ્પ, મેમ્બરશીપ ફી અને રિન્યુઅલ ફી દ્વારા વેલ્ફેર ફંડનું મોટું ભંડોળ એકત્ર કરવાનું નક્કી કરાયું હતું. ત્યારબાદ ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા તબક્કાવાર રીતે ૨૦૦૬ના વર્ષથી ક્રમશઃ મૃત્યુ સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો. ૨૦૧૪માં શ્રી અનિલ કેલ્લા ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન બન્યા ત્યારે વકીલોની મૃત્યુ સહાયની રકમમાં સૌથી વધુ નોંધપાત્ર વધારો કરી આ આર્થિક સહાયની રકમ રૂ.ત્રણ લાખ સુધીની કરાઇ હતી, જેને લઇ રાજયભરના વકીલઆલમ અને વકીલોના પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. દરમ્યાન બાર કાઉન્સીલની છેલ્લી ટર્મમાં ૨૦૧૨થી ૨૦૧૭ના પાંચ વર્ષો દરમ્યાન રાજયમાં કુલ ૧૧૨૮ જેટલા વકીલો મૃત્યુ પામ્યા હતા અને તેના કારણે તેમના વારસદારોને છેલ્લા પાંચ વર્ષોમાં કુલ મળી રૂ.૨૧ કરોડની મૃત્યુ સહાયની રકમ ચૂકવવામાં આવી હતી. એટલું જ નહી, વકીલોની મૃત્યુ સહાયની રકમમાં હજુ વધારો કરવા અને વકીલો માટે કલ્યાણકારી યોજનાઓ અંગે કેન્દ્ર સરકાર અને રાજય સરકારમાં અવારનવાર રજૂઆતો કરવાથી માંડી અસરકારક પ્રયાસો પણ બાર કાઉન્સીલ દ્વારા હાથ ધરાયા છે.

(8:24 pm IST)