Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

સરકારને ટોણા મારવા હાર્દિકે ગઇ કાલે ઊજવ્યો ટ્વીટ-ડે

દિવસભર ટ્વીટ કરતો રહ્યો અને આખો દિવસ મીડિયાને પણ આ રીતે બિઝી રાખ્યું : આ દેશના યુવાનોને રાજકારણમાં રસ તો છે પણ દૂરથી તમાશો જ જોવા માગે છે

મુંબઇ તા.૯: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે ગઇ કાલે આખો દિવસ ટ્રાવેલિંગ કર્યુ હતું. આ ટ્રાવેલિંગ  દરમ્યાન તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટમાં ટ્વીટનો એકધારી મારો ચાલુ રાખીને BJPથી  માંડીને મીડિયાને પણ બિઝી રાખ્યું હતું. હાર્દિકે ગઇ કાલે દિવસ દરમ્યાન ૧૪ ટ્વીટ કરી હતી, જેમાંથી થોડી ટ્વીટ તેણે વિવાદ ઊભો કરીને ડિલીટ પણ કરી નાખી હતી. હાર્દિક પટેલે કહ્યું હતું કે 'મનની વાત અત્યારના સમયે ખાલી ટ્વિટર પર થઇ શકે છે. બાકી તો બધે નરેન્દ્ર મોદી અને BJPનું જ રાજ છે.  

 

હાર્દિક એક ટ્વીટમાં કહ્યું હતું કે 'હવે મારા પર થયેલા કેસ કોર્ટમાં ચાલવાના શરૂ થયા છે, જેમાં સરકારે વારંવાર હું ભગત સિંહ વિશે બોલું છું એનો વિરોધ પણ કર્યો. મારો જવાબ હતો કે હું ભગતસિંહ જેવો બનવા માગું છું એટલે તેમનું નામ લઉં છું અને આ દેશની સરકાર પણ ભગત સિંહ સાથે થયું એવું જ કરીને મારા પર દેશદ્રોહનો કેસ ચલાવે છે. જો હું ગોડસે બનવાની વાત કરતો હતો તો આજે મારા પર આવો રાષ્ટ્રદ્રોહનો કેસ ન થયો હતો.'

યુવાનો પર ટોણો મારતા હાર્દિક ટ્વીટ કર્યુ હતું કે ' આ દેશના યુવાનોને રાજકારણમાં રાસ છે, પણ તેઓ દૂરથી તમાશો જોવા માગે છે અને બીજાની ભૂલો કાઢી છે. ત્યાં જઇને સરખું કરવામાં તેમને ડર લાગે છે.'

હાર્દિકે એક ટ્વીટમાં કહ્યું હતું કે 'આપણા દેશના રાજકારણમાં બુઢ્ઢાઓની બોલબાલા છે અને માત્ર ગણ્યાગાંઠ્યા યુવાનો રાજકારણમાં છે. આવું થવાનું એક કારણ એ પણ છે કે આપણા દેશની રાજનીતિનું વાતાવરણ દિવસ-દિવસે બગડતું જાય છે અને સાચા દેશભકતોને બદલે સત્તાલાલચુ અને પૈસાના લાલચુ લોકો ગોઠવાઇ ગયો છે.'  

હાર્દિક સૌથી છેલ્લે ટ્વીટ કરતાં પોતાની આપવીતી વર્ણવી હતી અને લખ્યું હતું કે 'જેવી BJPની  સરકાર આવી કે તરત જ કોર્ટના ધક્કા વધી ગયા. જો હું ખરેખર ગુનેગાર હોત જેલ અને કોર્ટના ચક્કર કાપતો ન હોત અને BJPમાં (પદ પર) હોત. હું આ દેશના ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીશ, કારણ કે મને સરકાર, પોલીસ અને પ્રશાસન પર તો વિશ્વાસ રહ્યો નથી.'

એક વખત હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું હતું કે 'નરેન્દ્ર મોદીનું બીજુ નામ શું હોવું જોઇએ? હિટલર રાખું?'

આ ટ્વીટ હાર્દિકે થોડી મિનિટોમાં ડિલીટ કરી નાખી હતી. હાર્દિકે હસતાં-હસતાં 'મિડ-ડે' ને કહ્યું હતું કે 'બીજુ વધારે સારૂ નામ શોધવાનુ મન થયું એટલે એ ટ્વીટ ડિલીટ કરી છે.'

(10:32 am IST)