Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

PSI બન્યા ને ત્રણ મહિના વિતી ગયા છતાં 'પોસ્ટિંગ' થતું નથી!

ખાતાકીય પરીક્ષા પાસ કરનાર ૩૭૬ પોલીસ કર્મીના 'બેડલક' દૂર થશે?: ડિસેમ્બરમાં પોસ્ટીંગની DGPએ આપેલી ખાતરી પણ 'ફોગટ' પૂરવાર

અમદાવાદ તા. ૯ : ગુજરાતમાં ગૃહવિભાગનું તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે તે કોઈને સમજાતું નથી. ખાતાકીય પરીક્ષા પાસ કરીને PSI બન્યાં ને ત્રણ મહિના વિતી ગયાં છતાં ૩૭૬ પોલીસ કર્મચારીઓને પોસ્ટિંગ અપાતું નથી. પોલીસ તંત્રમાં મોડ-૨ અંતર્ગત ખાતાકીય પરીક્ષા લેવામાં જ દોઢ વર્ષનો સમયગાળો વિતી ગયો. ચૂંટણીના કારણે પોસ્ટિંગ અટકયું હશે તેમ માનવામાં આવતું હતું. પણ, ચૂંટણી પૂર્ણ થતાં રજૂઆત કરવામાં આવતાં ડિસેમ્બર પૂરો થાય તે પહેલાં પોસ્ટિંગની DGPએ ખાતરી આપી હતી. પણ, DGPની ખાતરી પણ ફોગટ પૂરવાર થઈ છે. ખાતાકીય પરીક્ષાની શરૂઆતથી જ થયેલા વિલંબના 'બેડલક' કયારે પૂરા થશે? કમુર્તા ઉતરતાં સુધીમાં પોસ્ટિંગ મળશે કે કેમ? તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.

પોલીસ તંત્રમાં ફરજને ૧૫ વર્ષ થયા હોય અને ગ્રેજયુએટ થયેલા પોલીસકર્મીઓની ખાતાકીય પરીક્ષા લેવાઈ.

મોડ-૨ની PSIની ખાતાકીય બઢતી પરીક્ષા ગૌણ સેવા મંડળ દ્વારા લેવામાં આવી હતી. કુલ ૪૦૩ જગ્યા ભરવાની હતી તેમાંથી ૩૭૬ને પાસ કરવામાં આવ્યાં. ૩૭૬માંથી ૩૧૫ જનરલ કેટેગરીના અને ૬૧ SCST કેટેગરીના છે. ઓકટોબર-૨૦૧૭માં પરિણામ જાહેર થયા પછી ચૂંટણી આવી. PSI બની ચૂકેલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કેડરના પોલીસકર્મીઓને PSI તરીકે નિમણૂક આપવા ચૂંટણી પંચની મંજૂરી મગાઈ ને આ પ્રક્રિયા સરકારી ફાઈલોમાં અટવાઈ ગઈ છે.

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં DGPને રજુઆત કરવામાં આવી હતી. પણ, ૩૧ ડિસેમ્બર પહેલાં પોસ્ટિંગની DGPની ખાતરી 'ફોગટ' પૂરવાર થતાં ૩૭૬ PSIને ઈન્ક્રીમેન્ટમાં એક વર્ષનું નુકસાન જશે. પોલીસ તંત્રમાં એવી ચર્ચા છે કે, આ ખાતાકીય ભરતી પ્રક્રિયા કઈ ઘડીએ આરંભાઈ હતી કે પરીક્ષા લેવામાં દોઢ-બે વર્ષ વિતી ગયાં.

હવે, PSI બની ગયા તો પોસ્ટિંગ આપવામાં ત્રણ મહીના પસાર થઈ ગયાં છે. ગૃહવિભાગમાં અટવાયેલી ફાઈલ કલીયર થાય તો સરકાર કામ કરતી હોવાનો અહેસાસ થાય તેમ છે.(૨૧.૯)

(9:58 am IST)