Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

વિધાનસભાઃ ૧૮૨ સીટની હાર-જીતની તપાસ કરી રિપોર્ટ બનાવવાની કવાયત

માઇક્રો એનાલીસીસમાં ચૂંટણીના ત્રણ મહિનામાં થયેલી ઘટનાઓને પણ ધ્યાનમાં રખાશેઃ IBએ ૨૦૧૯ની તૈયારીઓ શરૂ કરી સારા - નરસા તમામ પાસાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાશે

નવી દિલ્હી તા. ૯ : સત્તારૂઢ ભાજપ સરકારને શપથ ગ્રહણ કરે હજુ આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ દિવસો થયાં છે અને કોંગ્રેસ આ વખતે વધેલી સીટના હરખમાંથી બહાર નથી આવી ત્યાં રાજયના ગુપ્તચર તંત્રએ આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે! સ્ટેટ આઈ.બી (ઈન્ટેલીજન્સ બ્યૂરો) એક રિપોર્ટ તૈયાર કરી રહી છે જેમાં ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ પાસાઓનું માઈક્રો એનાલીસીસ કરવામાં આવી રહ્યું છે. તમામ ૧૮૨ સીટનો રિપોર્ટ તૈયાર કરવાની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર થઈ ચુકી છે. જેમાં દરેક સીટની તપાસ થશે અને ત્યાં ઉમેદવાર કયા કારણે જીત્યો અને હારેલો ઉમેદવાર કયા કારણે હાર્યો તે પણ નોંધવામાં આવશે તેમ આઈ.બી.ના આધારભૂત સૂત્રોએ ઉમેર્યું હતુ. .

 

સૂત્રોનું કહેવું છે કે, રિપોર્ટમાં તમામ સીટનું માઈક્રો એનાલીસીસ કરવામાં આવશે અને ચૂંટણી પહેલાના ત્રણ મહિનામાં થયેલી તમામ રાજકીય ઉથલપાથલ અને વાદ-વિવાદને ટાંકવામાં આવશે. જેમાં રાજયસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લોર મોકલવાની ઘટના અને રાજય સભાની ચૂંટણી દરમિયાન એક મત માટે થયેલા વિવાદ ઉપરાંત રાતે પરીણામ અટકાવી દેવા જેવી ઘટનાઓ પણ ટાંકવામાં આવશે.

કયા કયા ધારાસભ્યો પક્ષ બદલો કરીને આવ્યાં અને તેમનું ચૂંટણીમાં યોગદાન અને તેમની હારજીતના કારણો ઉપરાંત કોંગ્રેસથી છેડો ફાડનારા શંકરસીંહ વાઘેલા ફેકટર પણ રિપોર્ટમાં ટાંકીને એક એકેડેમીક થીસિસ જેવો રિપોર્ટ તૈયાર કરાશે. .

આ રિપોર્ટ સરકાર માટે નહીં, એજન્સી માટેનો હશે

આઈ.બી.ના એક સિનિયર અધિકારીએ આ રિપોર્ટ અંગે જણાવ્યું હતુ કે, રિપોર્ટની વાત સાચી છે પરંતુ તે સરકાર માટે નહીં પરંતુ અમારી પોતાની એજન્સીના અભ્યાસ પુરતો જ રાખવામાં આવશે. જો કે, આ અધિકારીએ એવી પણ કબૂલાત કરી હતી કે, રાજય આઈ.બી.એ સત્ત્।ાધારી પક્ષનો હાથો હોવાની માન્યતા પણ લોકોમાં છે.

ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીની હાર અને જીજ્ઞેશ મેવાણીની જીતના કારણો તપાસાશે

ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીની હાર પાછળના કારણો અને અપક્ષ ચુંટણી લડીને જીત મેળવનારા જીગ્નેશ મેવાણીના ફેકટર પર પણ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરાશે. આવી અન્ય પણ કેટલીક સીટ છે જયાં સોશિયલ મીડિયાનો જુવાળ ઉંધો પડ્યો હતો ત્યાંની સ્થિતિ અંગે પણ તપાસ કરવામાં આવશે.

હાર્દિકની સીડીની અસર અને દક્ષિણ ગુજરાતમાં પાટીદાર ફેકટરની અસર પર મહત્વનું રીસર્ચ થશે

રિપોર્ટમાં ચૂંટણી પહેલાની ઘટનાઓમાં હાર્દીક પટેલાના સીડી કાંડની સમાજમાં અસર ઉપરાંત તેના વધેલા લોક સમર્થન અને પાટીદાર ફેકટરનો પણ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જયાં પાટીદાર ફેકટર સૌથી વધુ જોવા મળ્યું તેવા સુરતમાં ભાજપને મળેલી જીત પાછળ મતદારોનો મૂડ પણ આ રિપોર્ટમાં નોંધવામાં આવશે.

(9:40 am IST)