Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

દક્ષિણ ગુજરાતમાં ભાજપનો જયજયકાર : તમામ બેઠકો ઉપર આગળ

સુરત, ડાંગ, નવસારી, નર્મદા, તાપી જિલ્લામાં કોંગ્રેસ અને આપ - અપક્ષો સતત પાછળ : કડક પ્રબંધોમાં મત ગણતરી

રાજકોટ તા. ૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે ભારે ઉત્તેજના સાથે કાર્યકરો અને ટેકેદારો સાથે મત ગણતરી સ્થળે પહોંચ્યા હતા. સવારથી એક-બે રાઉન્ડને બાદ કરતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભાજપના ઉમેદવારો આગળ નિકળી ગયા છે. તેમાં મોટાભાગનાએ તેમની વિજય નિશ્ચિત કરેલ છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, તાપી, ભરૃચ, નર્મદા સહિતના જિલ્લામાં આજે ૩૬થી વધુ બેઠકો ઉપર મત ગણતરીના પ્રારંભે જ ઇવીએમ મશીનમાંથી કમળનો જનાદેશ નિકળ્યો છે.

દરમિયાન ભારતીય જનતા પક્ષ આજે સમગ્ર ગુજરાતમાં નવો ઐતિહાસિક કિર્તીમાન સ્થાપવા જઇ રહી છે. કુલ ૧૮૨માંથી ૧૫૮ બેઠકો ઉપર સવારે ૧૦.૩૦ કલાક દરમિયાન આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ૨૦ થી વધુ બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી કરતા સરેરાશ ૨ થી ૭ ટકા ઓછું મતદાન નોંધાયું છે. મતદાન ઓછું થતાં રાજકીય પંડિતો તેમના ગણિતો માંડીને હાર-જીતનું વિશ્લેષણ કરતા પરંતુ સવારે મત ગણતરી હાથ ધરતા જ ભાજપનો જય જયકાર થયો છે.

દક્ષિણ ગુજરાતમાં સુરતના ઓલપાડ બેઠક ઉપર મુકેશ પટેલ, માંગરોળ ગણપતભાઇ વસાવા, કાંમરેજમાં પ્રફુલભાઇ પાનસેરીયા, સુરત નોર્થના કાંતિભાઇ બલર, વરાછા બેઠક ઉપર કુમારભાઇ કાનાણી, લીંબાયત બેઠક ઉપર સંગીતાબેન પાટીલ, ઉધના બેઠક પર મનુભાઇ પટેલ, મજુરા બેઠક ઉપર ગૃહમંત્રી હર્ષ સંઘવીનો વિજય થઇ ગયો છે. કતાર ગામમાં વિનુભાઇ મોરડીયા, સુરત વેસ્ટમાં પૂર્ણેશભાઇ મોદી, ચોર્યાસીમાં સંદિપભાઇ પટેલ, બારડોલીમાં ઇશ્વરભાઇ પરમાર, મહુવામાં મોહનભાઇ, નાદોદ વિધાનસભા બેઠક ઉપર ડો. દર્શનાબેન વસાવા, જગડીયા બેઠક ઉપર હિતેષભાઇ વસાવા, ભરૃચ બેઠક ઉપર રમેશભાઇ મિસ્ત્રી, જલોલપોર બેઠક ઉપર રમેશભાઇ પટેલ, નવસારી બેઠક ઉપર રાકેશભાઇ દેસાઇ, ગણદેવી બેઠક ઉપર નરેશભાઇ પટેલ, વલસાડ બેઠક ઉપર ભરતભાઇ પટેલ, પારડી બેઠક ઉપર કનુભાઇ દેસાઇ, કપરાડા બેઠક ઉપર જીતુભાઇ ચૌધરી, ઉમરગામ બેઠક ઉપર રમણભાઇ પાટકર, નીઝર બેઠક ઉપર જીરામ ગામીત અને ડાંગ બેઠક ઉપર વિજયભાઇ પટેલ તેમના પ્રતિસ્પર્ધી કરતા ખૂબ આગળ નિકળી ગયા છે.

(12:24 pm IST)