Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

વસ્ત્રાલમાં સાવકા પિતા દ્વારા પુત્રીની સાથે અડપલાં કરાયા

પિતા-પુત્રીના સંબંધોને લજવતો કિસ્સોઃ સાવકા પિતાની વારંવારની છેડતી કંટાળી પુત્રીએ માતાને વાત કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો : રિપોર્ટ

અમદાવાદ, તા.૮ : અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધોને લજાવતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની પુત્રી સાથે સાવકા પિતા છેલ્લા સાત મહિનાથી ધમકી આપી અડપલાં કરતો હોવાનો કિસ્સો પ્રકાશામાં આવ્યો છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વારંવાર છેડતીથી કંટાળી પુત્રીએ તેની માતાને કહેતા આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.શહેરના વસ્ત્રાલ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી આ મહિલાએ બીજા લગ્ન કર્યા હતા. પહેલા પતિથી એક પુત્રીનો જન્મ થયો હતો જે હાલમાં ૧૪ વર્ષની છે. ગઈકાલે જ્યારે સગીરા રસોડામાં વાસણ ધોતી હતી ત્યારે પાછળથી તેનો સાવકો પિતા આવ્યો હતો અને છાતીના ભાગે હાથ ફેરવી અડપલાં કર્યા હતાં. પછી ધમકી આપી હતી કે આ બાબતે કોઈને કહેશે તો તેની પુત્રીને જાનથી મારી નાખશે. ઘટના બાદ સાવકો પિતા ઘરેથી ફરાર થઈ ગયો હતો.

સાવકા પિતા વારંવાર આ પ્રકારે છેડતી કરવામાં આવતી હોવાથી સગીરાએ તેની માતાને સમગ્ર વાત કરી હતી. તેથી માતાએ આ મામલે રામોલ પોલીસમથકમાં સાવકા પિતા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે આરોપી પિતાની અટકાયત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(10:39 pm IST)