Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઠક્કરનગર : ભાભીની સાથે રહેતી યુવતીની છેડતી થઈ

યુવતી દ્વારા કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ : બુટલેગરની યુવતીના ઘરમાં રાત્રે ઘુસી જઇને તું અહિંયા શું કમાય છે, તારી જરૂરિયાત બોમ્બેમાં છે તેમ કહી ધમાલ

અમદાવાદ,તા.૮ : શહેરના ઠક્કરનગરમાં વિધવા ભાભી સાથે રહેતી યુવતીને હેરાન-પરેશાન કરતા લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધમાં છેડતીની ફરિયાદ નોંધાઇ છે. યુવતી રાતે ઘરે હતી ત્યારે બુટલેગર તેના ઘરે આવ્યો હતો અને તેની ફેંટ પકડીને તું અહીંયાં શું કમાય છે, તારી જરૂરિયાત તો બોમ્બેમાં છે તેમ કહીને ધમાલ મચાવી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઠક્કરનગરમાં આવેલ એક મકાનમાં રહેતી યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક બુટલેગર વિરુદ્ધમાં છેડતીની ફરિયાદ કરી છે. જેને પગલે પોલીસે સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી યુવતી તેનાં ભાભી સાથે રહે છે અને મકાન દલાલીનું કામ કરીને ગુજરાન ચલાવે છે. યુવતીએ કરેલા આક્ષેપ પ્રમાણે ઠક્કરનગરના સાંઇબાબા ફ્લેટમાં રહેતો નરેશ નામનો યુવક છેલ્લા ઘણા સમયથી તેને હેરાન-પરેશાન કરે છે અને છેલ્લા બે દિવસથી ઘરે આવીને તોફાન મચાવી રહ્યો છે. ગઇકાલે મોડી રાતે યુવતી ઘરે સૂવાની તૈયારી કરતી હતી ત્યારે નરેશ તેના ઘરે આવી ગયો હતો અને યુવતીની ફેંટ પકડીને એક વાર તો તને બોમ્બે લઇ જઇશ. તું અહીંયાં શું કમાય છે, તારી જરૂરિયાત તો બોમ્બે છે તેમ કહીને ધમાલ મચાવી હતી. નરેશની હરકતોથી કંટાળેલી યુવતીએ તેના પર ઘરનો સામાન-ખુરશી ફેંકી હતી. દરમિયાનમાં યુવતીની ભાભી આવી ગઇ હતી, જ્યાં નરેશે તેને પણ બોમ્બે લઇ જવાની વાત કરી હતી. બન્ને મહિલાઓને ધમકી આપીને નરેશ જતો રહ્યો હતો અને પરત એક્ટિવા  લઇને તેના મિત્રો સાથે આવ્યો હતો અને તું નીચે ઊતર તને બતાવું છું તેમ કહીને ધમકી આપવા લાગ્યો હતો. યુવતીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. પોલીસ યુવતીના ઘરે આવી ગઇ હતી અને તેમને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી. પોલીસે નરેશ અને તેના મિત્રો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઠક્કરનગરનો નરશે ઉર્ફે નારી લિસ્ટેડ બુટલેગર છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:26 pm IST)