Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

રૂ. ૨૬૦ કરોડનું કરી નાખ્યું છતાં આરોપી વિનય શાહને ૧ વર્ષ સુધી ગુજરાતમાં નહી લાવી શકાય!

ભારત લાવવાની પ્રોસેસમાં આશરે એક વર્ષ જેટલો સમય લાગી શકે તેવી ચર્ચાએ પ્રબળ જોર પકડયું

નવી દિલ્હી તા. ૮ : રૂપિયા ડબલ કરવાની સ્કીમ દ્વારા રૂપિયા ૨૬૦ કરોડનું કૌભાંડ કરવાના આરોપી વિનય શાહને નેપાળમાંથી વિદેશી હુંડીયામણ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સાથે ચંદા થાપર નામની મહિલા પણ ઝડપાઇ હતી. જે બંન્ને હાલ તો નેપાળ પોલીસની કસ્ટડીમાં જ છે. ત્યારે તેને ભારત લાવવાનાં પ્રોસેસમાં એટલે પ્રત્યર્પણ સંધિ પ્રમાણે આશરે એક વર્ષ જેટલો સમય લાગી શકે તેવી ચર્ચાએ પ્રબળ જોર પકડ્યું છે. પરંતુ બીજી બાજુ સીઆઈડી ક્રાઇમ વિનય શાહને ભારત લાવવા માટે સરકારની મદદ લઇને નેપાળની સરકાર સાથે વાતચીત કરી રહ્યાં છે.

વિનયની પત્ની ભાર્ગવી પણ તેની સાથે આ કૌભાંડમાં સાથ આપી રહી હતી. તેને ગઇકાલે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. સી.આઈ.ડી. ક્રાઇમે ભાર્ગવીના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેની સામે તેના ૬ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા.

સી.આઈ.ડી. ક્રાઈમે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે વિનય શાહ પર રૂપિયા ૨૬૦ કરોડના કૌભાંડનો આરોપ છે. કૌભાંડ પછી તે ફરાર થયો હતો અને નેપાળ પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ તેની કસ્ટડી ગુજરાત પોલીસને મળી નથી. અન્ય કેટલાં લોકો આ કૌભાંડમાં સંકળાયેલા છે તેની જાણકારી ભાર્ગવી પાસેથી મળી શકે છે. ઉપરાંત વિનય શાહ પાર્ટીઓનું આયોજન કરી કૌભાંડની વ્યૂહરચના ઘડતો હતો. તેથી આ પાર્ટીઓમાં અન્ય કોણ કોણ લોકો આવતા હતા તે પણ જાણવું મહત્વનું છે.

નોંધનીય છે કે વિનય શાહ મુંબઈના મુલુંડનો વતની છે. ભાર્ગવી વ્યાસ સાથે લગ્ન કર્યા પછી વિનય ઘરજમાઈ બનીને જ પાલડી વિસ્તારમાં રહેતો હતો. MLM સ્કીમથી શેરબજારમાં પૈસા રોકવા પાછળ તેની બહેન કે પરિવારના અન્ય સભ્યોનો સહકાર લેતો હોવાની પણ શકયતાઓ છે.(૨૧.૧૧)

(11:59 am IST)