Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

હિન્દુ મતો અંકે કરવા ભાજપ સરકારે અત્યારથી જ પ્લાન ઘડી કાઢયો

બનારસ, હરિદ્વાર અને ઋષિકેશ માટે હવે STની બસો દોડાવવાની સરકારની નેમ

અમદાવાદ તા. ૮ : ગુજરાતની ભાજપ સરકારે લોકસભાની ચૂંટણી ધ્યાને રાખી બહુમતી હિન્દુ મતદારોને આકર્ષવા માટે જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ પહેલાં ગુજરાત એસ.ટી. નિગમ મારફત ઉત્ત્।ર ભારતના યાત્રાધામો ખાતે ખાનગી  બસો દોડાવવા અને આ બસ સેવા કિફાયતી દરે પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. હરિદ્વાર, ઋષિકેશ, વૃંદાવન- મથુરા અને વડા પ્રધાન મોદીના મત વિસ્તાર બનારસ જેવા સ્થળોએ બસસેવા શરૂ કરવાનું આયોજન છે.

ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેમ અહીંથી ખાનગી બસો દોડાવાશે તેમ એ યાત્રાધામોના રાજયોમાંથી સરકારી બસોમાં બેસીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવે તેવું વિચારાયું હોઇ સંબંધિત ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની રાજય સરકારો સાથે બસ સેવા માટે પ્રાથમિક વાતચીત થઇ ચૂકી છે, જેને ટૂંક સમયમાં જ આખરી રૂપ અપાશે. આંતરરાજયની આ બસોના પ્રવાસીઓ ઉપર ટેકસનું ભારણ ના પડે તે માટે વાટાઘાટો થઇ રહી હોવાનું પણ જણાવાયું હતું. આ સૂત્રોએ એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, એસ.ટી. નિગમ દ્વારા આ બસસેવા ખાનગી કોન્ટ્રાકટથી ચાલશે.

ઉલ્લેખનીય છે કે, હિન્દુ મતો અંકે કરવા ભાજપ સરકારે અત્યારથી જ પ્લાન ઘડી કાઢયો છે. અગાઉ ઉત્તર પ્રદેશમાં સ્વામીનારાયણ ભગવાનના જન્મ સ્થળ છપૈયા ખાતેની પણ ગુજરાત સરકારે બસ સેવા શરૂ કરી હતી. હિન્દુ મતદારોને રાજી રાખવા તાજેતરમાં જ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોને દિલ્હી બોલાવાયા હતા અને ત્યાં વડાપ્રધાન સાથે ગુફતેગો થઈ હતી.

જો ખરેખર સરકાર આ રીતની બસો દોડાવવા માંગતી હોય તો અત્યારથી જ લોકોમાં તેનો વ્યાપક પ્રચાર થવો જોઈએ જેથી જાત્રાની સિઝન પહેલાં લોકોને તેની જાણ થાય અને તેનો લાભ મેળવી શકે.

(10:08 am IST)