Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

iPhone 11 Pro પણ લાંચમાં લઇ લીધો હતો : PSI શ્વેતા જાડેજા પાસે હતો 1.22 લાખનો ફોન

પૂછપરછમાં શ્વેતા જાડેજા એમ કહે છે કે આ ફોન તેને વેલેન્ટાઇન ડે પર ગિફ્ટ મળ્યો હતો,

અમદાવાદઃ દુષ્કર્મના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની લાંચની માંગ કરીને 20 લાખ રૂપિયા આંગડિયાથી લેનારા ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજાને લઇને એક પછી એક નવા ઘટસ્ફોટ થઇ રહ્યાં છે. જામખંભાળિયામાં પીએસઆઈના સંબંધી દેવેન્દ્ર ઓડેદરાએ લાંચની 20 લાખ રૂપિયાની લાંચની રકમ આંગડિયાથી લીધી હતી, તેની તપાસ તેજ બની છે, હવે સામે આવ્યું છે કે આ સ્ટાઇલિસ્ટ મહિલા પીએસઆઇ 1.22 લાખ રૂપિયાનો એપ્પલનો આઇફોન-11 પ્રો ફોન વાપરતા હતા

આઇફોનનું ખરીદીનું બિલ આરોપી કેનાલ શાહના સિક્યુરીટી હેડ યોગેશ શર્માના ક્રેડિટ કાર્ડમાંથી ભરવામાં આવ્યું હતુ. એટલે કે મહિલા પીએસઆઇએ આ ફોન પણ લાંચમાં પડાવી લીધો હતો, એસઓજીની પૂછપરછમાં શ્વેતા જાડેજા એમ કહે છે કે આ ફોન તેને વેલેન્ટાઇન ડે પર ગિફ્ટ મળ્યો હતો, પરંતુ કોણે આપ્યો હતો તે બોલ્યાં નથી, જો કે ફોનની જૂની ડિટેલ્ટ કઢાવતા અન્ય વ્યક્તિના ક્રેડિટ કાર્ડ પરથી આ ફોનની ખરીદી થયાનું સામે આવ્યું છે.

 

બીજી તરફ મહિલા પીએસઆઇ આરોપી સાથે વ્હોટ્સએપથી વાત કરતા હતા મેસેજ ડિલિટ કરી દેતા હતા, પરંતુ આરોપી તેના સ્ક્રીનશોટ્સ બનાવી લેતો હતો.

તપાસમાં એવું પણ સામે આવ્યું હતુ કે પીએસઆઇ શ્વેતા જાડેજાને આંગડિયાથી કંઇ રીતે લાંચ લેવી તેનો આઇડિયા નજીકના જ એક પીઆઇએ આપ્યો હતો, તેની પણ તપાસ જરૂરી છે, લાંચની રકમ કોને કોને મળી છે તેની ઉંડી તપાસ જરૂરી છે. નોંધનિય છે કે મહિલા પીએસઆઇએ આરોપી પર 2 કેસ હોવાથી પાસામાં ધકેલી નાખવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા.

(6:53 pm IST)