Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોના કહેર વચ્‍ચે સુરતના કતારગામમાં કલસ્‍ટર ઝોન હોવા છતાં હીરાનું કારખાનુ ચાલુ રાખનાર સામે કાર્યવાહી

સુરત: સુરતમાં ક્લસ્ટર વિસ્તારમાં હીરાનુ યુનિટ ચાલુ રહેતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. કતારગામ નંદુ ડોશીની વાડીમાં આવેલ હીરાનું કારખાનું ક્લસ્ટર ઝોન હોવા છતા કાર્યરત કરાયું હતું. અજબ હીરાના કારખાનામાં મોડી રાતે પાંચ રત્ન કલાકારોને કામે બોલાવાયા હતા. જેથી પાલિકા તંત્ર દ્વારા કારખાનેદાર અને મેનેજર સામે કાર્યવાહી કરાઈ છે.

કતારગામ પોલીસ દ્વારા ગતરોજ સાંજના સમય દરમિયાન નંદુ ડોશીની વાડી અને વસ્તા દેવડી રોડ પર પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પેટ્રોલિંગ દરમિયાન અજબ હીરા કારખાનું ચાલુ રહેતા કાર્યવાહી કરાઈ હતી. જેના બાદ મેનેજર રાકેશ લખાણી અને કારખાનેદાર માલિક લક્ષ્મણભાઇ કલથીયા સામે ગુનો દાખલ કરાયો છે. જાહેરનામાના ભંગ અને એપેડેમિક એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

તો બીજી તરફ, સુરતમાં આખરે ખાનગી સ્કૂલોને ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા શિક્ષણ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા 400 સ્કૂલો એક અઠવાડિયા સુધી બંધ રાખવાના નિર્ણયને લઈ અધિકારીઓ દોડતા થયા હતા. અઠવાડિયા સુધી ઓનલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આજરોજ સંચાલક મંડળની જિલ્લા કલેકટર સાથે બેઠકનું આયોજન કરાયં હતું. જેમાં 400 ખાનગી સ્કૂલોએ મોરચો માંડતા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં વધતા કોરોના પોઝિટિવ કેસ જ્યાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સંપૂર્ણ સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જે અંગે શિક્ષણ અધિકારીએ પરિપત્ર જારી કરવાની ફરજ પડી હતી. કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતી શાળાઓ અંગેની જાણકારી અધિકારીઓને આપવા સૂચના કરાઈ છે.

(5:24 pm IST)