Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

જાણવાજોગ એન્ટ્રીના બદલે ફરીયાદ નોંધવા માટે ૪૦ હજારની લાંચ લેતા બી.કે. ગોસ્વામી રંગેહાથ ઝડપાયા

વધુ એક પીએસઆઈ એસીબીની જાળમાં: બનાસકાંઠાના આગથળાની ઘટના : બોર્ડર ભૂજ (એસીબી) એકમના મદદનિશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલ ટીમને વધુ એક મોટી સફળતા

રાજકોટ, તા. ૮ :. બનાસકાંઠાના આગથળા પોલીસ મથકના પીએસઆઈ બી.કે. ગોસ્વામી રૂ. ૪૦,૦૦૦ની લાંચના છટકામાં આબાદ ઝડપાઈ જવા સાથે વધુ એક પોલીસ અધિકારી એસીબીની જાળમાં સપડાઈ જતા પોલીસ તંત્રમાં સન્નાટો મચી ગયો છે.

એક જાગૃત ફરીયાદી દ્વારા બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આગથળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.કે. ગોસ્વામી તેમની એક ૩ મહિના અગાઉ આપેલી ફરીયાદ કે જે તે સમયે જાણવાજોગ એન્ટ્રી કરી હતી. તેને વિધિસર ફરીયાદમાં દાખલ કરવા રૂ. ૪૦,૦૦૦ની માંગણી કર્યાના આરોપસરની ફરીયાદ કરી હતી.

બનાસકાંઠાના એસીબી પી.આઈ. કે.જે. પટેલે આ બાબતે બોર્ડર રેન્જ (એસીબી-ભૂજ)ના મદદનિશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલ સાથે ચર્ચા કરતા તેઓએ આ છટકુ નિષ્ફળ ન જાય તે માટે આખી યોજના તૈયાર કરી હતી. જે બાદ બનાસકાંઠા પીઆઈએ કૃષ્ણકુમારસિંહ ગોહિલના સુપરવિઝન હેઠળ છટકુ ગોઠવી આરોપીને ઝડપી લીધા હતા. પોલીસ તંત્ર સામે એસીબી કાર્યવાહી ન કરે તેવી માન્યતાનો ભુક્કો બોલાવવા એસીબી વડા કેશવકુમાર દ્વારા શરૂ થયેલ અભિયાનને બોર્ડર રેન્જ (એસીબી) મદદનિશ નિયામક ટીમ દ્વારા પૂરજોશથી અમલ કરાવતા એક પછી એક સફળતાઓ સાંપડી રહી છે.

(12:58 pm IST)