Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મુખ્યમંત્રી વિજય રૂપાણીની મજાક ઊડીઃ 'મને ખબર નથી' ટ્વિટર ઉપર ટ્રેન્ડ

મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકારોના સવાલનો જવાબ ન આપી શ્કયા : સુરતમાં અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતી વેળા કોરોના સંદર્ભે માહિતી આપી શક્યા નહતા

સુરત, તા. ૦૭ : સમગ્ર રાજ્યમાં કોરોનાનાં સંક્રમણની સ્થિતિ વકરતી જાય છે ત્યારે રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતમાં પણ નવા નવા કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં શનિવારનાં રોજ સીએમ રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ કોરોનાનાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખી સુરતની મુલાકાતે ગયા હતાં તે સમયે કલેક્ટર કચેરી ખાતે મનપા કમિશ્નર, અધિકારી, ધારાસભ્યો અને ડૉક્ટરો સાથે બેઠક યોજી હતી. જેમાં એક પત્રકારે સીએમ રૂપાણીને પૂછેલા સવાલમાં તેઓએ જવાબ આપતા કહ્યું હતું કે, "મને ખબર નથી."

અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારનાં રોજની બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો કે,

"પોઝિટિવ આંકડાની વાત કરીએ તો ગઈ કાલે જિલ્લામાં ૫૮ કેસ આવ્યા હતાં. પરંતુ જયંતિ રવિ મેડમે ૧૪ બતાવ્યા કેમ આમ ? જેના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, "મને ખબર નથી." મુખ્યમંત્રીનાં જવાબને લઈને આજે ટ્વિટર પર #મને_ખબર_નથી ટોપ ટ્રેન્ડિંગ થઈ ગયું છે. #મને_ખબર_નથી ટ્વિટર ટ્રેન્ડિંગને લઇ જુઓ કોણે કેવાં-કેવાં મીમ્સ શેર કર્યા ?

બસ પછી તો સીએમ રૂપાણીનાં જવાબને લઇને સોશિયલ મીડિયામાં લોકોએ મીમ્સ બનાવવાનું શરૂ કરી દીધું અને જોતજોતામાં તો ટ્વીટર પર #મને_ખબર_નથી ટોપ ટ્રેન્ડ થવા લાગ્યું. જ્યાર બાદ લોકોએ વિકાસ, સરકારી નોકરી, મુખ્યમંત્રી પદને લઇ અનેક મુદ્દાઓને લઈ સવાલ પુછ્યાં. જેનાં જવાબમાં લોકોએ #મને_ખબર_નથી હેશટેગ રાખ્યું છે.

(10:21 pm IST)