Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

બનાસકાંઠા જિલ્લામાં સતત ચાર દિવસથી ભારે પવન અને કરા સાથે વરસાદ :ખેડૂતોની હાલત કફોડી:ખેતરમાં ઉભા પાકનો સોથ વળી ગયો

લાચાર ખેડૂતો વહેલામાં વહેલી તકે સરવે કરી સહાય ચૂકવવા સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને માથે ફરી એકવાર મુશ્કેલીના વાદળ ઘેરાયા છે. પહેલા બટાકામાં ભાવ તળિયે બેસી ગયા, ત્યારે ખેડૂતોને અન્ય પાક પર આશા હતી. જગતનો તાત વિચારતો હતો કે તમાકુ, રાજગરા, વરીયાળી જેવા પાકમાંથી આવક રળી ગુજરાન ચલાવી લઈશું, પરંતુ સતત ચાર દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદે ઉભા પાકનો સોથ વાળી દીધો છે. ત્યારે આ ખેડૂતો સરકાર સરવે કરી યોગ્ય સહાય કરે તેવી માગ કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં સતત ચાર દિવસથી ભારે પવન અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે. કુદરતના માર સામે ખેડૂતોની હાલત દયનીય બની છે. પહેલા બટાકાના ભાવમાં સતત ઘટાડો આવ્યો તેના કારણે મોટુ નુકસાન થયું હતું ,પરંતુ ખેડૂતોને આશા હતી કે અન્ય પાકમાંથી બટાકામાં થયેલા નુકસાનની ભરપાઈ કરી લઈશું. પરંતુ કુદરતના માર સામે ખેડૂતો ફરી એકવાર લાચાર થયા છે.

હાલમાં થયેલા માવઠાથી વરિયાળી, તમાકુ, બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. હાલ તો કુદરતી પ્રકોપ સામે લાચાર ખેડૂતો વહેલામાં વહેલી તકે સરવે કરી સહાય ચૂકવવા સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે.

(12:35 am IST)