Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

યાત્રાધામ અંબાજીમાં ધુળેટીના પાવન દિવસથી ભક્તો દ્વારા નિઃશુલ્ક મોહનથાળ વિતરણ કરવા લેવાયો નિર્ણય

જ્યાં સુધી દેવસ્થાન તરફની મોહનથાળ ચાલુ નહીં કરાય ત્યાં સુધી આ મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રહેશે.

અંબાજી :  ધુળેટીના પાવન દિવસથી ભક્તો દ્વારા નિઃશુલ્ક મોહનથાળ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરના ચાચરચોકમાં દરરોજ 200 કિલો નિઃશુલ્ક દર્શનાર્થીઓને આપવાનો નિણર્ય કર્યો છે. જ્યાં સુધી દેવસ્થાન તરફની મોહનથાળ ચાલુ નહીં કરાય ત્યાં સુધી આ મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રહેશે.

અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાવતાં એના વિવાદનો હજી અંત આવ્યો નથી. ત્યારે સમગ્ર દેશમાં અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ થતાં દરેક હિન્દુ સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો છે. છેલ્લા 6 દિવસથી વહીવટીતંત્ર દ્વારા અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ કરાતાં સમગ્ર મામલો ગરમાયો છે.

અંબાજી અને દેશભરના લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. અંબાજી મંદિરની ઓળખ ધરાવતું અને પરંપરાગત 500 વર્ષ કરતાં વધુ સમયથી માતાજીને મોહનથાળ પ્રસાદ ધરાવવામાં આવતો હતો અને માના મંદિરે મોહનથાળ પ્રસાદનું વેચાણ થતું હતું. જેથી દેશદુનિયાથી આવતા માઇભક્તો માતાજીના આશીર્વાદ સ્વરૂપ ગણાતા મોહનથાળના પ્રસાદથી ધન્યતા અનુભવતા હતા.

આજે છેલ્લા 6 દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળ મહાપ્રસાદને વહીવટી તંત્ર દ્વારા બંધ કરાતાં સમગ્ર ભક્તો અને હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે દેશભરના ભક્તોની લાગણીને જોઈ ભક્તોએ નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરમાં આપવાનું નિર્ણય કર્યો છે. આજે અંબાજી મંદિરમાં 200 કિલો મોહનથાળનો પ્રસાદ ભક્તો દ્વારા બનાવી અંબાજી મંદિરમાં માતાજીને ભોગ ધરાવી મંદિરના ચાચરચોકમાં દરેક યાત્રાળુઓને પ્રસાદનારૂપમાં નિઃશુલ્ક આપવામાં આવ્યો હતો.

 

(8:22 pm IST)