Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

કોરોનાના મૃતકોના અંતિમ સંસ્કાર કરવા પરિવારજનોને છૂટ આપવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્

અમદાવાદ : કોરોના બીમારીથી મૃત્યુ પામનાર વ્યક્તિના શબનું પરિવારજનોને સેફટી પ્રોટોકોલ સાથે અંતિમ સંસ્કાર કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે લોકોએ મહામારીના કપરા સમયમાં લાગણી એ રિવાજને વચ્ચે લાવી જીવને જોખમમાં ન મુકવો જોઈએ. આ મામલે વધુ સુનાવણી 3 સપ્તાહ પછી હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિઓના શબનું અંતિમ સંસ્કાર ગ્રાઉન્ડ સ્ટાફના લોકો દ્વારા સેફટી પ્રોટોકોલ જેમ કે PPE કીટ અને અન્ય વસ્તુઓ પહેરીને કરવામાં આવે છે, તેવી જ રીતે પરિવારજનોને પણ PPE કીટ અને અન્ય સેફટીના નિયમો સાથે અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપવામાં આવે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ શબને ઘરે લઈ જવા માંગતા નથી પરંતુ જેમ ગ્રાઉન્ડ સ્ટાફના લોકો દ્વારા સેફટી સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, તેવી રીતે પરિવારજનોને પણ સેફટી સાથે મંજૂરી આપવામાં આવે.

આ મુદ્દે સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજુઆત કરી હતી કે અમે કોઈપણ વ્યક્તિને શબને અડવા પણ દેતા નથી. અત્યારે કોરોનાગ્રસ્ત વ્યક્તિના મૃત્યુના કેસમાં તેમના પરિવારમાંથી 5 લોકોને દૂરથી અંતિમસંસ્કાર કે દફનવિધિ જોવાની મંજૂરી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે ગુજરાત સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે જેમાં ICMR અને સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.

(7:46 pm IST)