Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

રવિવાર સુધી રાજયમાં વિવિધ સ્થળોએ માવઠુ થશે

શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ, ખેડૂતોની ચિંતામાં વધારો : સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાત - દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની શકયતા : હવામાન ખાતુ

અમદાવાદ : રાજયમાં એક તરફ કાતિલ ઠંડીનો જોરદાર કેર જોવા મળી રહ્યો છે. ઠંડીથી સમગ્ર જનજીવન પ્રભાવિત થયુ છે. ત્યારે હવામાન વિભાગે રાજયમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના પરિણામે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી ૪૮ કલાક દરમિયાન વાદળછાયુ વાતાવરણ સર્જાયેલુ રહેશે. જયારે કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં તા. ૮ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા, દાહોદ સામાન્ય વરસાદ, તો ૯મી તારીખે છોટા ઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ જેવા દક્ષિણી વિસ્તારોમાં ૧૦મીએ દાહોદ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં આગામી બે - ત્રણ દિવસ વરસાદની શકયતાઓ જોવામાં આવી રહી છે. વરસાદી માવઠાની હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવામાં આવી રહ્યો છે.

વરસાદને પગલે શિયાળુ પાકને નુકશાન થવાની શકયતાને જોતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસામાં પણ પાછોતરા વરસાદથી ખેડૂતોને ખૂબ નુકશાન થયુ હતું. ત્યારે શિયાળામાં પણ માવઠુ થવાની શકયતાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

(4:09 pm IST)