Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

મહેસાણા બાદ હવે અમદાવાદમાં BIS ત્રાટકયું

અમદાવાદના દસ્કોઇમાં ઇલેકટ્રીક કેબલનું ઉત્પાદન કરતી ૪ કંપની ઉપર દરોડા : ૧ાા લાખ મીટર કેબલ જપ્ત

BISની મંજૂરી વિના ISI માર્કાનો ઉપયોગ થતો'તો : હજુ વધુ દરોડા પડશે

અમદાવાદ તા. ૮ : ભારતીય માનક બ્યુરો BISના અધિકારીઓએ મહેસાણામાં દરોડા પાડયા બાદ અમદાવાદના દસ્કોઇ તાલુકામાં બાડરોલ ગામ નજીક ૪ અલગ અલગ કંપનીઓ ઉપર દરોડા પાડી ૧ાા લાખ મીટરથી વધુ ઇલેકટ્રીક કેબલ જપ્ત કરી લીધો હતો. આ તમામ કંપનીઓ ઇલેકટ્રીક કેબલનું ઉત્પાદન કરતી હોવાનું બહાર આવ્યું છે, એક પણ કંપનીએ BIS પાસે ISIનો માર્કો લગાવવાનું લાયસન્સ નહી લીધું હોવાની બાતમી બાદ દરોડા પડાયા હતા.

BISના અમદાવાદના પ્રમુખ એસ.કે.સિંહની સૂચના બાદ અધિકારીઓની ટીમ ઉપરોકત સ્થળે આવેલ ગોપાલચરણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રાટકી હતી, જ્યાં ગુરૂદેવ ઇન્ડસ્ટ્રીઝ, કૃષ્ણા કેબલ, પાલીશ્યોર કેબલ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડી ક્રમાનુસાર ૫૨૩૦૦ મીટર, ૨૫ હજાર મીટર, ૨૫૦ મીટર તથા ISI માર્કાના ૨ હજાર લેબલવાળા ઇલેકટ્રીક કેબલ જપ્ત કરાયા હતા.

આ ઉપરાંત સ્વાગત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ આશીર્વાદ કેબલ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડી ૮ હજાર મીટર કેબલ જપ્ત કરાયો હતો. અત્રે એ નોંધનીય છે કે BISની મંજુરી વિના ISIના માર્કાનો ઉપયોગ કરવો તે ગુન્હો છે, અને તેમાં બે વર્ષની જેલ તથા ૨ લાખનો દંડ પણ થઇ શકે છે.

(11:47 am IST)