Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઓબીસી, એસસી-એસટીને અનામતનો ખરો લાભ કયારે

લઘુમતી એકતા મંચ દ્વારા સંમેલનની તૈયારીઃ ગુજરાતભરમાં વિશાળ ઓબીસી સંમેલન યોજવા માટેની તૈયારીઓ : જિલ્લા-તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમો યોજાશે

અમદાવાદ,તા. ૮: મોદી સરકારે સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે જેના પગલે ઓબીસી,એસટી,એસસી,લઘુમતી એકતા મંચે અનામતના ખરા હકદાર અને લાભાર્થીઓને સાચા અર્થમાં અનામતનો લાભ કયારે મળશે તેવો ગંભીર સવાલ ઉઠાવી હવે રાજય સરકાર સામે બાંયો ચડાવી છે. ઓબીસીને ભાજપ સરકારે કેટલી સરકારી નોકરીઓ આપી અને અનામતનો કેટલો લાભ આપ્યો તેના આંકડા જાહેર કરવા પણ ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે માંગણી કરી છે.   તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આર્થિક અનામત એ ભાજપ સરકારની લોલીપોપ છે, એટલું જ નહીં હવે એ વાત પ્રસ્થાપિત છે કે,ભાજપ સરકારને સર્વણોની ચિંતા છે પણ ઓબીસી, એસ.ટી, એસ.સી,લઘુમતીઓની પડી જ નથી તેવા આક્ષેપ કરતાં ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે જણાવ્યું કે, અનામતનો લાભ હજુયે ખરા સુધી પહોંચ્યો જ નથી. આજે પણ અનામતના લાભાર્થીઓને અનામતના વાસ્તવિક લાભથી વઁચિત છે. આ ભાજપ સરકારે અનામતનો લાભ તેના ખરા લાભાર્થીઓને ના મળે તે માટે સરકારી નોકરીઓ પર જ પ્રતિબઁધ મૂકી દીધો છે. કોન્ટ્રાકટ પધ્ધતિ અમલી બનાવી શિક્ષિત યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે વધુમાં ઉમેર્યું હતું કે, જો અનામતનો લાભ મળ્યો હોત તો, ઓબીસી, એસ.ટી, એસ.સી અને લઘુમતી સમાજની આર્થિક પરિસ્થિતિ સુધરી હોત પણ આજે જે રીતે આ સમાજની સ્થિતિ છે તે જોતા અનામત નો લાભ જ મળ્યો નથી તે પુરવાર થાય છે. જો મોદી સરકારે ઓબીસી,એસ.સી અને એસ.ટી ને અનામતનો ખરો લાભ આપ્યો હોય તો તેના આંકડા જાહેર કરે. સરકાર એ સર્વણોને વસ્તી ૧૫ ટકા હોઇ ૧૦ટકા આર્થિક અનામત આપી હોય તે આવકારદાયક છે. જયારે દેશની ૮૫ ટકા વસ્તી ઓબીસી, એસ.ટી, એસ.સી, લઘુમતી હોય તો ૯૦ ટકા અનામતનો લાભ મળવો જોઈએ. ૧૦ ટકા અનામત ક્યાં આયોગના અને સર્વે રિપોર્ટના આધારે આપવા જઈ રહ્યા છે ? સરકારે તે વાતનો ખુલાસો કરવો જોઇએ. હવે અનામતમાં ઓબીસી, એસસી, એસટીના સાચા લાભાર્થીઓને અન્યાય થઇ રહ્યો હોઇ આગામી દિવસોમાં ગુજરાતમાં વિશાળ ઓબીસી સંમેલન યોજવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત દરેક જીલ્લા,તાલુકાઓના કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે એમ ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે ઉમેર્યુ હતું.

(10:06 pm IST)