Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

સતત બીજી વખત મુખ્યમંત્રી બની વિજયભાઈએ ગુજરાતની સત્તા સંભાળ્યાને ૨ વર્ષ પૂરા થયા

વાપી, તા.૭ : ગુજરાતના શાસનની ધુરા સંભાળ્યા ને આજે એટલે કે ૭મી ઓગષ્ટ ૨૦૧૮ના શ્રી વિજયભાઈ રૂપાણી ૨ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.

ગત તા.૭મી ઓગષ્ટ ૨૦૧૬ના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા ગાંધી મંદિર ખાતે બપોરે ૧૨ કલાકે રાજયના ૧૬મા મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ ૧૭મા મુખ્યમંત્રી તરીકે શ્રી વિજયભાઈ રૂપાણીએ શપથ લઇ કાર્યભાર સંભાળ્યો.

વિજયભાઈને મુખ્યમંત્રી પદનો તાજ તો મળ્યો પરંતુ અનેક સમસ્યાઓ મ્હો ફાડીને ઉભી હતી. એક રીતે કહીએ તો કપરી સ્થિતિમાં જ ગુજરાતની ગાદી સંભાળી. પોતાના જ સાથીઓમાં અસંતોષ હતો.

પરંતુ આ તો હતા વિજયભાઈ વર્ષો જૂનો અનુભવ - કોલેજ કાળના નેતૃત્વ ગુણ અને સંઘની નીતિની સાથે સંગઠનની દિર્ઘદૃષ્ટિને કામે લગાડી રોલમોડલ સમા રાજયના અગાઉના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના વિઝનને સાકાર કરવા કામે લાગી ગયા.

શ્રી નરેન્દ્રભાઈના વિકાસનો ધ્યેય એમની દિશા અને એમનો જ માર્ગ અપનાવી એક નવા સંકલ્પ સાથે વિજયભાઈ આગળ ધપવા લાગ્યા. હજુ પણ કેટલીય ચર્ચા થતી કે આ શાંત પ્રવૃતિના નેતા કેમ ચલાવશે ગુજરાતની સરકાર. પરંતુ ધીરજ અને મક્કમતાથી આગળ વધતા ગયા. તેઓ પ્રથમ સ્થિતિ, સમજતા ગયા અને ધીરે ધીરે સમસ્યાઓનો ઈલાજ કરવા લાગ્યા.

પ્રારંભે જ દલિત આંદોલન અને પાટીદાર અનામત આંદોલનની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું અને તેઓએ સુઝબુઝથી આ સમસ્યાનો સામનો કર્યો અને ઘણા અંશે સ્થિતિને હળવી બનાવી.

શ્રી વિજયભાઈએ પોતાના આ શાસન દરમિયાન અને મહત્વના અને સાહસભર્યા નિર્ણયો લઈ પ્રજાલક્ષી કાર્યોને આગળ ધપાવી ગુજરાતની સાડા છ કરોડ જનતા માટે વિકાસ અને વિશ્વાસના પર્યાય બનવાની દિશામાં આગળ વધ્યા.

રૂપાણી સરકારના અગત્યના નિર્ણયોમાં ગૌવંશના હત્યારાને આજીવન કેદની જાહેરાતનો નિર્ણય ઐતિહાસિક બની રહ્યો. આ ઉપરાંત દારૂબંધી, નશાબંધી ધારાને વધુ અસરકારક બનાવી રાજયમાં દારૂબંધી વધુ કડક બને એ દિશામાં આગળ ધપ્યા. તો આગલી સરકાર દ્વારા ફોર વ્હીલ માટે ટોલ ફ્રી કરવાના વચનોને પાળવાના નિર્ણયો પણ લીધા.

રાજયના અગાઉના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈની અનેક યોજનાઓને આગળ ધપાવી પ્રજાજનોને લાભ અપાવ્યો. વિકાસયાત્રાને આગળ ધપાવવા સતત બજેટમાં વધુ નાણા ફાળવ્યા.

શ્રી વિજયભાઈ રૂપાણીએ નરેન્દ્રભાઈએ શરૂ કરેલ. વાયબ્રન્ટ સમીટને યથાવત રાખી એમાં સફળતા પણ મેળવી. જગતના તાતને વધુ સુવિધા અર્થે ૧૦ કલાક વિજળી તેમજ ખેડૂતોના હિતમાં અનેક લોકાભિમુખ સુધારાઓ પણ હાથ ધર્યા.

રાજય સરકારના કર્મચારીઓને ૭મા પગાર પંચનો લાભ. આ ઉપરાંત રાજયના આશરે ૬૦૦૦ ગામડાઓને ડીજીટલ હાઈવે સાથે જોડવા પણ પ્રયાસ કરાયો. અટલ સ્નેહ યોજનાનો લાભ પણ મળ્યો ગુજરાતને. રાજયના શહેરોને સ્માર્ટ સીટીનો લાભ અપાવ્યો.

એટલુ જ નહિં સ્માર્ટ સીટીની કામગીરીમાં સુરત અને અમદાવાદને સન્માનિત પણ કરાયા. રાજયની આશરે ૪૦૦૦ જેટલી સ્કુલોના કલાસરૂમને ડીજીટલ બનાવ્યાનો દાવો પણ સરકારનો છે. એટલુ જ નહિં કાયદાની સ્થિતિનો તાગ મેળવવા રાજયના આશરે ૬૫૦ જેટલા પોલીસ સ્ટેશનોના ડેટા સતત મેળવી લાઈવ સંપર્કમાં રહેવાનો પ્રયત્ન પણ વિજયભાઈએ કર્યો છે.

તાજેતરમાં જ રાજયના આશરે ૧૭ લાખથી વધુ બાળકોને ઓરી - રૂબેલા રસીકરણ અભિયાન હેઠળ આવરી લઈ ૨૦૨૦ સુધીમાં ઓરી, રૂબેલા જેવા રોગો નાબુદ કરવાના લક્ષ્યને આગળ ધપાવ્યો છે.

સરકારના મહત્વના નિર્ણયોમાંની એક રાજયના ૩૦૦ જેટલા ગામોમાં સૌર ઉર્જા દ્વારા પાણી પુરવઠા પાયલોટ પ્રોજેકટને અમલમાં મૂકી આગળ ધપાવ્યો. કુદરતી આફતો કે અન્ય વિકટ સ્થિતિમાં વિજયભાઈ તમામ સ્થિતિનું મોનીટરીંગ પોતાના ડેશબોર્ડ ઉપરથી કરી શકે તેવી ટેકનોલોજી તરફ પણ આગળ ધપ્યા છે.

દરેક હાથને કામ...ના ધ્યેય તરફ એકધારી આગેકૂચ જારી રાખી રાજયમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા આયોજનો કરી રોજગારીનું સર્જન ઉપરાંત રાજયના હસ્તકલા હાથશાળના ગ્રામીણ કુશળ કારીગરોને સ્વનિર્ભરતાના અવસરો આપવા નજીવા વ્યાજદરે સબસીડી ઉપરાંત એ વસ્તુઓના વેચાણ માટે સરકાર આગળ આવી છે.

રાજયના બાળકોને ગુણવતાયુકત શિક્ષણ માટે સરકારે રૂ.૨૭,૫૦૦ કરોડ જેટલી જંગી રકમ બજેટમાં ફાળવી શિક્ષણ ઉપર ભાર મૂકયો છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા નામાંકનનો દર ૭૫%થી વધીને ૧૦૦% ઉપર પહોંચાડ્યાનું સરકારનું માનવું છે.

સરકાર ચલાવવાની સાથે વિજયભાઈએ પક્ષને મજબૂત બનાવવા પણ એટલી જ મહેનત કરી છે. કાર્યકરથી લઈ પક્ષપ્રમુખ  સુધીના અનુભવનો નિચોડ વિજયભાઈએ આ છેલ્લા બે વર્ષમાં આપ્યો છે. સૌને સાથે લઈને કેમ ચાલવુ એ કુનેહમાં વિજયભાઈ સફળ રહ્યા છે.

૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી ભાજપે વિજયભાઈના નેતૃત્વમાં લડી તમામ વિપરીત પાસાઓ  - વિરોધીઓના પૂરજોશ વચ્ચે ભાજપની વિજયકૂચ જારી રહેશે કે કેમ એવા પ્રશ્નોના મારા વચ્ચે વિજયભાઈ પોતે રાજકોટની બેઠક પરથી વિક્રમ સર્જક લીડ સાથે ભવ્ય જીત મેળવી એટલુ જ નહિં રાજયમાં પક્ષને પણ બહુમતી અપાવી ભાજપના વિજયરથને આગળ ધપાવ્યો. જો કે નરેન્દ્રભાઈની ખોટ વરતાણી હતી અને વિધાનસભામાં લીડ ઘટી ગયેલ.

સામે ભાજપ મોવડી મંડળે પણ વિજયભાઈની આ કામગીરીને બિરદાવીને ફરી વાર મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી. ૨૨મી ડિસેમ્બર ૨૦૧૭ના રોજ વિજયભાઈને બીજી ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ પહેરાવ્યો. એ વાતને પણ ૭ જેટલા મહિના થઈ ગયા.

વિજયભાઈ માત્ર વિરોધી ઉપર જ હાવી થયા એવુ નથી. હવે તેમણે પોતાનું લક્ષ્ય આગામી લોકસભાની ચૂંટણીને બનાવ્યુ છે.

ગુજરાતમાં શ્રેષ્ઠ શાસનની સાથે સાથે રાજયની લોકસભાની બધી બેઠકો પર ભાજપને જીત અપાવવા અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે.

આજે એટલે કે ૭મી ઓગષ્ટના શ્રી વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે ૨ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ વેળાએ તેમને ''અકિલા'' પરિવાર તરફથી શુભેચ્છાઓ...(૩૭.૩)

(2:18 pm IST)