Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

રાજીવ સાતવ, અમિત ચાવડા તથા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રોજેકટ 'શકિત' લોન્ચ

હવે કાર્યકરો સીધા હાઈકમાન્ડ સાથે જોડાશેઃ નેતા-કાર્યકર વચ્ચેનું અંતર ઘટશે

રાજકોટ, તા. ૭ :. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને પછડાટ આપવા હાઈકમાન્ડના સીધા માર્ગદર્શન સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્ય પ્રભારી રાજીવ સાતવની સીધી દેખરેખ હેઠળ ધમધમાટ આદર્યા છે. લોકસભા બેઠકવાર બે દિવસથી મંથન ચાલી રહ્યુ છે ત્યારે આજે પ્રદેશ સમિતિ ખાતે કોંગ્રેસનો મહત્વકાંક્ષી સંગઠનના પ્રોજેકટ 'શકિત'ને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સમયે પત્રકાર પરિષદ યોજી રાજ્ય પ્રભારી, પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતાએ પ્રોજેકટ શકિત અંગે માહિતી આપી હતી.

રાજ્ય પ્રભારી રાજીવ સાતવે પત્રકારોને જણાવ્યુ હતુ કે પ્રોજેકટ શકિતને રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા ઉત્તર પ્રદેશ ખાતે ગત ૩જી તારીખે લોન્ચ કર્યો હતો. આજથી કોંગ્રેસના કાર્યકરોને સીધા હાઈકમાન્ડ સાથે જોડતા પ્રોજેકટ શકિતને ગુજરાતમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

આજે આ લખાય છે ત્યારે સવારે ૧૧.૩૦ કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આ પ્રોજેકટને રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના ટોચના પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓની હાજરીમાં ખૂલ્લો મુકવામાં આવ્યો હતો.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, પ્રોજેકટ 'શકિત' દ્વારા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો વચ્ચેનું અંતર ઘટશે અને કાર્યકરો સીધા મોવડી મંડળની સાથે જોડાશે.

વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, સંગઠનને વધુ મજબૂત બનાવતા આ પ્રોજેકટ દ્વારા તાલુકા અને બુથના કાર્યકરોનું જોડાણ નેતાઓ અને હાઈકમાન્ડ સાથે થશે. જેના કારણે નાનામાં નાનો કાર્યકર પણ તેમની વાત આગેવાનોને કરી શકશે.

(7:46 pm IST)