Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ઠાસરા તાલુકાના બાધરપુરા કેનાલ નજીક બસને ઓવરટેક કરવા જતી બાઈક ટ્રેકટર સાથે અથડાતા એકનું મોત : એકની હાલત ગંભીર

ઠાસરા: તાલુકાના બાધરપુરા કેનાલ નજીક બાઈક લઈ જતાં ઈસમે ઊભી રહેલી બસની ઓવરટેક કરવા જતાં સામેથી આવતાં ટ્રેક્ટર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર અન્ય એક ઈસમને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે ઠાસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના અંઘાડીમાં રહેતાં અને અમદાવાદની સરસ્વતી બિલ્ડકોન કંપનીમાં સુપરવાઈઝરની નોકરી કરતાં શરદભાઈ રાકેશભાઈ યાદવને કંપનીએ હાલ ડાકોર-સેવાલિયા હાઈવે રોડનું સુપરવિઝનનું કામ સોપ્યું હતું. ગતરોજ સાંજના સમયે શરદ યાદવ અને તેમના મિત્ર ગીરીરાજ રાધેશ્યામ શર્મા મોટરસાઈકલ નં જીજે ૦૭ બીડી ૮૩૫૬ લઈ કામની સાઈડ ઠાસરા ચાલતી હોઈ ત્યાં જવા નીકળ્યાં હતાં. દરમિયાન બાધરપુરા કેનાલ નજીક એસ.ટી બસ ઊભી હોઈ શરદ યાદવે બાઈકને પુરપાટ ઝડપે હંકારી એસ.ટી બસની ઓવરટેક કરી હતી. તે વખતે સામેથી આવતાં ટ્રેક્ટર નં જીજે ૦૭ એએન ૩૩૧૬ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર પાછળ બેઠેલ ગીરીરાજ શર્માને શરીરે વત્તાઓછા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી. જ્યારે બાઈક ચલાવનાર શરદ યાદવને ગંભીર ઈજાઓ થઈ હોઈ તેઓને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સૌપ્રથમ ઠાસરા સરકારી દવાખાને અને ત્યારબાદ આણંદ ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારબાદ શરદ યાદવને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જવાયાં હતાં. જ્યાં શરદ યાદવ (ઉં.વ ૨૮)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ઠાસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:32 pm IST)