Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

મધ્યપૂર્વી અરબ સાગરમાં સર્જાયુ લો પ્રેશરઃ સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસાદ પડશે?

ચોમાસુ શ્રીલંકા સુધી પહોંચી ગયું, કેરળમાં વરસાદ ચાલુ : સત્તાવાર ગમે ત્યારે જાહેરાત

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આવતા અઠવાડિયે સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી શકયતા છે. હાલ મધ્યપૂર્વ અરબ સાગરમાં લો પ્રેશર આકાર લઈ રહ્યું છે, જેની અસર હેઠળ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શકયતા વ્યકત કરાઈ છે. બીજી તરફ, નૈઋત્ય ચોમાસું હાલ શ્રીંલંકા સુધી પહોંચી ગયું છે, અને કેરળમાં તેની એન્ટ્રી થવાને ઝાઝો સમય નથી રહ્યો.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ચોમાસું  આજે કેરળને અથડાશે, અને લો-પ્રેશર એરિયા સર્જાવાને કારણે તે ઝડપથી આગળ વધશે તેમજ શકિતશાળી પણ બનશે. જેના કારણે મુંબઈ તેમજ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ૧૩જ્રાક જુન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જવાની શકયતા છે. આ દરમિયાન વાવાઝોડાં જેવી સ્થિતિ સર્જાવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. આ સિસ્ટમ્સથી તેની અસર હેઠળ આવનારા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે.

ગુજરાતમાં આજે દક્ષિણ ભાગમાં સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના સુરત, બારડોલી, માંડવી તેમજ કામરેજમાં વાદળો છવાયા છે, અને કેટલીક જગ્યાએ સામાન્ય છાંટા પણ પડ્યા છે.

મહત્વનું છે કે, હાલ અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ, વડોદરા, ભૂજ, સુરેન્દ્રનગર, રાજકોટ જેવા શહેરોમાં તાપમાન છેલ્લા દ્યણા દિવસોથી ૪૩ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે, તેવામાં વરસાદની સૌ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં ગયા વર્ષે પણ અપૂરતો વરસાદ પડ્યો હતો ત્યારે આ વર્ષે ચોમાસાને લઈને દ્યણી ચિંતા પ્રવર્તી રહી છે.

(4:19 pm IST)