Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

અમદાવાદમાં બુટલેગર અને તેના સાગરીતોની બર્બરતાઃ ૨૦'દિની માસુમ બાળકીની ક્રુર હત્યા

મેઘાણીનગર હસન જીવાભાઈની ચાલીનો બનાવઃ પકડવા માટે રજુઆત કરવા આવેલા લોકો પર પોલીસનો લાઠી ચાર્જ

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે બુટલેગરોએ આતંક મચાવ્યો હતો. જેમાં ૨૦ દિવસની એક બાળકીનો ભોગ લેવાયો છે. બુટલેગરો અને તેના સાગરીતોએ હસન જીવાભાઈની ચાલીમાં ઘરમાં ઘુસી મહિલાઓને માર માર્યો હતો. બાળકીને માથામાં ધોકો મારતા તેનું મોત નીપજયું હતું. ઘટના બાદ લોકોના ટોળે ટોળા મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવા માંગ કરી હતી.

જો કે મેઘાણીનગર પોલીસે પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે રજુઆત કરવા આવેલા લોકો પર સામાન્ય લાઠીચાર્જ કર્યો હતો. હજી સુધી એક પણ આરોપીની મેદ્યાણીનગર પોલીસ ધરપકડ કરી શકી નથી.

અમદાવાદમાં શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. લુખ્ખાઓએ આંતક મચાવી એક નિર્દોષ બાળકીની હત્યા કરી નાખી છે. મેઘાણીનગરના હસન જીવાભાઈની ચાલીમાં ગઈકાલે સતીશ પટણી નામનો બુટલેગર અને તેના સાગરીતો ધોકા અને પાઇપ લઈને આવ્યા હતા. બહાર બેઠેલી મહિલાઓને માર મારવામાં શરૂ કર્યું હતું. એક મહિલાના હાથમાં ૨૦ દિવસની બાળકી હતી જેના માથા પર હુમલાખોરોએ ધોકો મારતા બાળકીનું મોત નીપજયું હતું. ત્રણ મહિલાઓને ઇજા પોહચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોહચયા હતા. આરોપીઓને પકડવા રજુઆત કરી હતી. પરંતુ મેઘાણીનગર પોલીસે રજુઆત કરવા આવેલા લોકો  પર  લાઠીચાર્જ કર્યો હતો.

બાળકીની હત્યામાં સતીશ પટણી, ગોપાલ પટણી, દિપક પટણી, હિતેશ મારવાડી, લખન ઠાકોરના નામ ખુલ્યા છે.

આરોપીઓને પકડવા માટે ટુકડીઓ બની...

પોલીસ દ્વારા ઉડીં શોધખોળ

અમદાવાદ, તા. ૭ :    દરમ્યાન ડીસીપી ઝોન-૪ નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, ૨૦ દિવસની બાળકીની આ સમગ્ર હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓમાં સતીષ પટણી અને હિતનેશ મારવાડીની ધરપકડ કરી લેવાઇ છે. જયારે આરોપીઓ ગોપાલ પટણી, દિપક પટણી, લખન ઠાકોર સહિતના આરોપીઓ નાસતા ફરે છે, જેથી તેઓને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવાઇ છે. આ ગુનામાં સંડોવાયેલા તમામ લોકોની ધરપકડ કરાશે અને સખત કાર્યવાહી થશે.

(7:56 pm IST)