Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

અમદાવાદથી રાજકોટ આવી રહેલ ખાનગી બસમાંથી ખાસ અગત્યની બેગ ખોવાયેલ છે

કિડની ફેઇલ્યોર બાળકની દવા અને જરૂરી રીપોર્ટની ફાઈલવાળી બેગ મળે તો તાત્કાલિક જાણ કરવા અનુરોધ


 રાજકોટ :ખાનગી ટ્રાવેલ્સમાં અમદાવાદથી રાજકોટ આવતા સમયે ફાઈલની બેગ ખોવાઈ ગયેલ છે, જેમાં બંને કિડની ફેઇલ્યોર થયેલ ૧૧ વર્ષનાં બાળકની દવા અને અગત્યના રિપોર્ટ સામેલ છે.
રાજકોટનાં સોરઠીયાવાડી સર્કલ પાસે રહેતા કિડની ડાયાલિસિસના ૧૧ વર્ષના દર્દી આકાશ મનીષભાઈ જાદવની બંને કિડની ફેઈલ છે. આકાશનાં પિતા મનીષભાઈ જાદવ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, અમદાવાદ કિડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દી આકાશને તા. ૦૨ માર્ચ, ૨૦૨૩ ના રોજ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હોવાથી અમદાવાદ પાલડી ચોકથી સવારે ૦૯.૩૦ વાગ્યે રાજકોટ આવવા ખાનગી ટ્રાવેલ્સમાં બેઠા હતા.
બપોરે ૩.૩૦ વાગ્યે સોરઠીયા વાડી સર્કલ પાસે પહોંચી ઉતરતી વેળાએ મનીષભાઈનું ધ્યાન પડ્યુ કે, આકાશની દવા, ડાયાલિસિસનો સામાન અને અગત્યના કિડનીના બધા જ રિપોર્ટની ફાઈલ ભરેલી બેગ (લીલા દુધીયા અને કાળા ચેક્સ વાળી બેગ) ન હતી. મનીષભાઈ અને બસના ડ્રાઈવર - કંડક્ટર બંને એ બેગ શોધી પણ બેગનો કોઈ પતો મળ્યો નહિ, ખોવાયેલી આ બેગમાં નામ અને નંબર પણ લખેલા છે.
કોઈ મુસાફર ભૂલથી પોતાની સમજી સાથે લઈ ગયા હોય અથવા જે કોઈ પણ વ્યક્તિને આ ફાઇલ મળે તો તાત્કાલિક મનીષભાઈ ગાંડુભાઈ જાદવ, પવનપુત્ર ચોક, શેરી નંબર ૦૧, સ્વામિનારાયણ મંદિર પાસે,સોરઠીયાવાડી સર્કલ, રાજકોટ. મોબાઈલ નં. ૯૮૨૪૨૮૦૧૯૭નો સંપર્ક કરવા જણાવાયું છે.

(10:28 pm IST)