Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

આફતનો વરસાદ ૪ માનવ જિંદગી ભરખી ગયો

ક્‍યાંક વૃક્ષ ધરાશાયી તો ક્‍યાંક વીજ થાંભલો પડતા ૨ મહિલા સહિત ચારના જીવ ગયા

નવી દિલ્‍હી તા. ૭ : ગુજરાતભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજયના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજયમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ૪ લોકોના મોત નીપજયા છે. જેમાં વીજળી પડતાં ૨ ખેડૂતોના મૃત્‍યુ નીપજયાં છે. જયારે એક મહિલાનું વૃક્ષ ધરાશાયી થતાં અને એક મહિલાનું વીજથાંભલો પડતા મોત નીપજયું છે. રાજયમાં હજુ ૨૪ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલી નવી સિસ્‍ટમના કારણે રાજયના ઘણા જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્‍યો છે. છેલ્લા ત્રણ દિવસ રાજયના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્‍યો છે.  આ દરમિયાન રાજયમાં વીજળી પડતા ૨ લોકોના મોત નીપજયાં છે.

રાજકોટ જિલ્લામાં હોળીના પર્વ પર સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડ્‍યો હતો. ત્‍યારે રાજકોટમાં વીજળી પડવાના કારણે ખેડૂતનું મોત થયું છે. ત્રંબા ગામ ખાતે ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર વીજળી પડી હતી. વીજળી પડતા ખેડૂતનું મોત નીપજયું હતું.

રાપરમાં વીજળી પડવાથી એક વ્‍યકિતનું મૃત્‍યુ

કચ્‍છમાં કમોસમી વરસાદ વચ્‍ચે દુર્ઘટના સર્જાઈ હતી. રાપરના તાલુકામાં ખેત મજૂર પર વીજળી પડતા મૃત્‍યુ નિપજયું હતું. મળતી માહિતી અનુસાર, રાપર તાલુકાના કારીધાર વાંઢ વિસ્‍તારમાં ખેતરમાં કામ કરી રહેલા ૨૬ વર્ષીય ખેત મજૂર કિશોર રઘુભાઈ કોળી પર વીજળી પડી હતી. જેથી તેઓને સારવાર માટે રાપરની સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પર હાજર ડોક્‍ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતાં મહિલાનું મોત

રાજયમાં પડી રહેલા કમોસમી વરસાદ અને ભારે પવને બે મહિલાઓના પણ જીવ લીધા છે. જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજયું છે. જંબુસરના પિશાદ મહાદેવ મંદિર પાસે લીમડાનું વૃક્ષ તુટીને બાજુના ઘર પર પડતાં એક મહિલાનું ઘટનાસ્‍થળે જ મોત થયું હતું. આ દુર્ઘટનામાં અન્‍ય એક મહિલા અને બાળકીને ઈજા થતાં સારવાર માટે હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે.  સાબરકાંઠાના હિંમતનગરમાં વીજ થાંભલો પડતા UGVCLના એક મહિલા કર્મચારીનું કરૂણ મૃત્‍યુ નીપજયું છે. UGVCLના મહિલા કર્મી મીતાબેન ભટ્ટ મહાવીરનગરથી મોતીપુરા એક્‍ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ભારે પવનના કારણે રોડ વચ્‍ચે લગાવેલ સ્‍ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી થઈને તેમની ઉપર પડ્‍યો હતો. જેથી તેઓને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેમને સ્‍થાનિક સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા, જયાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મહિલાકર્મીના નિધનને પગલે સમગ્ર પરિવારમાં હાલ શોકનું મોજુ ફરી વળ્‍યું છે.

કોસાડ ગામે વીજળી પડતા ઝાડ સળગી ગયું

સુરત અમરોલીના કોસાડ ગામે પણ ગઈકાલે વીજળી ખાબકી હતી. કોસાડ ગામે તાડના ઝાડ પર વીજળી પડવાની ઘટના બની હતી. ઝાડ પર વીજળી પડતા તાડનું ઝાડ ઉભે ઉભું ભડ ભડ સળગી ઊઠ્‍યું હતું. જેની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

(12:05 pm IST)