Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

દહેગામ તાલુકાના વાસણા ચૌધરીમાં દૂધ મંડળીના ચેરમેને 50 લાખની ઉચાપત કરતા તપાસ શરૂ

ગાંધીનગર: જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા વાસણાચૌધરી ગામની દુધ મંડળીમાં ચેરમેન દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ના હિસાબો નહીં રજૂ કરીને ખેડૂતોને આવકના પ૦ લાખ રૂપિયા જેટલી રકમની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી રહી છે. ખેડૂતે આ મામલે રજુઆત કરતાં ચેરમેને થાઈ તે કરી લેવાની.. ધમકી આપી હતી. જેથી આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મંડળીના સભ્યો અને ખેડૂતોએ દહેગામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં સહકારી દુધ મંડળીઓ મારફતે જ ખેડૂતો પોતાના પશુઓનું દુધ ભરાવીને આવક મેળવતાં હોય છે. જિલ્લાના મોટા ભાગના ગામોમાં આ પ્રકારે દુધ મંડળીઓ આવેલી છે અને તેમાં અવારનવાર ઉચાપતની ફરિયાદો પણ ઉઠતી રહી છે ત્યારે દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામમાં પણ ચેરમેન ગેમરભાઈ કરશનભાઈ પટેલ દ્વારા વર્ષ ર૦૦૯થી ર૦૧૭ સુધી મંડળીનો વહીવટ સંભાળ્યો હતો. ર૦૦૯થી ૨૦૧૫-૧૬ સુધી ખેડુતોને નિયમીત રીતે પેમેન્ટ અને નફો વહેંચવામાં આવતો હતો. પરંતુ ૧ સપ્ટેમ્બર ર૦૧૭થી મંડળીનો વહીવટ આપખુદશાહીથી ચલાવ્યો હતો અને સભ્યો કે ગ્રાહકોને કોઈ જ હિસાબો આપ્યા નહોતા.
જેથી ખેડૂતોએ અવારનવાર આ મામલે ચેરમેન ગેમરભાઈને રજૂઆત કરી હોવા છતાં તેમણે રૂપિયા વપરાઈ ગયા છે અને જમીન વેચાયા પછી ભરી દઈશ તેવી રજૂઆત કરી હતી. ત્યારબાદ અન્ય ખેડૂતોને પણ થાય તે કરી લેવાની ધમકી આપી હતી. દુધ વેચાણ કરેલ વેપારીઓએ આપેલા એડવાન્સ સાત લાખ તથા મંડળીના છુટક દુધ વેચાણના ૧.ર૦ લાખ તેમજ અન્ય મળી ૪૪.૪ર લાખ રૂપિયા પોતાના પાસે જ રાખ્યા હતા. અન્ય હિસાબો મેળવતાં પ૦ લાખ ઉપરાંતની ઉચાપત કરી હોવાનું મંડળીના ધ્યાને આવતા આ મામલે મંડળીના સભ્યો અને ગ્રાહકોએ દહેગામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે અને ગુનો નોંધી ચેરમેન સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.

(7:12 pm IST)