Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ઉમરેઠમાં ગેરકાયદેસર દબાણોને સાફ કરવા પાલિકાએ તજવીજ હાથ ધરી

આણંદ:છેલ્લા ઘણાં સમયથી તાલુકા મથક ઉમરેઠના વિવિધ વિસ્તારોમાં ખડકાયેલ ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાનો નિર્ણય પાલિકા દ્વારા લેવાયો હતો. જેમાં મંગળવારના રોજથી ઉમરેઠ પાલિકાની ટીમ તથા પોલીસ બંદોબસ્ત સાથે નગરના વિવિધ વિસ્તારોમાં ખડકાયેલ ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાતા દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
બીજી તરફ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવતા જાગૃતોમાં આનંદ છવાયો છે. તંત્ર દ્વારા આ દબાણ હટાવ કામગીરી આગામી ૮ માર્ચ સુધી જારી રહેશે.
અનેકવાર લેખિત-મૌખિક રજૂઆતો કરાયા બાદ ઉમરેઠ ન.પા.ના ચીફ ઓફિસર દ્વારા નગરમાં થયેલ ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે દબાણકર્તાઓને નોટિસો પાઠવવામાં આવી હતી. આશરે ૩૦૦થી વધુ દબાણકર્તાઓને દબાણો દુર કરવા માટે નોટિસો પાઠવવા છતાં દબાણ ન હટાવાતા તંત્ર દ્વારા તા.૬ માર્ચથી ૮ માર્ચ દરમ્યાન દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હતું. જે અંતર્ગત આજે ઉમરેઠ નગરપાલિકાની ટીમ ૩ પીએસઆઈ તથા અન્ય પોલીસકર્મીઓની ટીમ સાથે નગરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો. સવારના સુમારે નગરના વડા બજાર વિસ્તારમાં ખડકાયેલ કાચા-પાકા દબાણો ઉપર પાલિકાની ટીમે જેસીબી ફેરવી દેતા દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી હતી.

(7:10 pm IST)