Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કલોલમાં ફ્લેટમાંથી તસ્કરોએ 57 હજારના મુદ્દામાલની ચોરી કરી

કલોલ:માં હાઇવે પાસે આવેલા હરણી એવન્યુના ફલેટમાં ત્રાટકેલા તસ્કરો ૫૭ હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે. તેમજ ત્યાં નજીકમાં આવેલા નિર્મિત ક્રિસ્ટલ ફલેટમાંથી પણ રોકડ અને દાગીનાની ચોરી થઇ હતી. જો કે આ અંગે હજી સુધી પોલીસ ફરિયાદ થઇ નથી. કલોલ હાઇવે પાસે આવેલા હરણી એવન્યુ ફલેટમાં બી/૩૦૫માં રહેતા સુરેશકુમાર મોહનજી ચાવડાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ બંધ મકાનનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડી ૩૭૦૦૦ની કિંમતના સોનાના દાગીના અને ૨૦ હજારની રોકડ મળી કુલ રૃ।.૫૭૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. સવારે ફક્ત એક જ કલાકમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સુરેશભાઇ ચાવડાની ફરિયાદને આધારે શહેર પોલીસે ચોકીનો ગુનો દાખલ કરી આ ઘટના અંગે વધુ તપાસ શરૃ કરી છે. તેમજ સિંદબાદ હાઇવેની સામે કે.આઇ.આર.સી. કોલેજ જતા રોડ પર આવેલા નિર્મિત ક્રિસ્ટલ ફલેટમાં પણ ચોરીની ઘટના બની હોવાની વિગતો સામે આવી છે. નિર્મિત ફલેટમાં રહેતા મકાન માલિક બહાર ગયા હતા તે વખતે તસ્કરોએ તેમના ઘરમાં ત્રાટકી ચોરી કરી હતી. આ ઘટના બાદ શહેર પોલીસ સ્થળ પર આવી હતી અને નિવેદનો લીધા હતા. જો કે ચોરીની ફરિયાદ હજી સુધી દાખલ થઇ નથી. ઉલ્લેખનીય છે કે કલોલમાં ચોરીની ઘટનાઓ વધી જતા નાગરીકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે મહત્ત્વની વાત તો એ છે કે હરણી એવન્યુમાં ત્રાટકેલા તસ્કરો ૫૭ હજારનો મુદ્દામાલ તો ચોરી ગયા પરંતુ મકાન માલિક તથા તેમના પત્નિ અને દિકરાના ઓરીજનલ અને મહત્વના ડોક્યુમેન્ટ ભરેલું પર્સ પણ તસ્કરો ચોરી જતા ચકચાર મચી છે. જેથી ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠી છે.

 

 

(6:11 pm IST)