Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

બોરસદના પીપળી બસ સ્ટેન્ડ નજીક લગ્નપ્રસંગે જવા નિકેલ માતા-પિતા તેમજ પુત્રને કાળ ભરખી ગયો

બોરસદ: તાલુકાના પીપળી બસ સ્ટેન્ડથી કિંખલોડ તરફના માર્ગે આજે બપોરે માતેલા સાંઢ જેવી પૂરપાટ ઝડપે આવેલી લક્ઝરી બસે એક્ટિવા ઉપર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોને કાળનો કોળીયો બનાવી દીધો હતો. 

 


પ્રાપ્ત વિગતોમાં ભાદરણના સુનિલભાઈ હિંમતભાઈ પઢિયાર (રહે. ઈશ્વરકૃપા કોલોની, ભાદરણ) પોતાની પત્ની મીનાક્ષીબેન તથા ૧૦ વર્ષનો પુત્ર દિપક ગંભીરા ખાતે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતાં. પીપળી બસ સ્ટેન્ડથી કિંખલોડ રોડ ઉપર જતાં પરિવારને પુરપાટ આવતી લક્ઝરી બસ નં. જીજે ૫ બીવી ૭૯૪૭નાં ચાલકે જોરદાર ટક્કર મારી તેઓને ફંગોળી દીધા હતાં. જેથી એક્ટીવા ઉપર સવાર ત્રણેય જણાઓને ગંભીર ઈજાઓ પહોંચતા એક જ પરિવારના માતા-પિતા અને પુત્રનું કરૂણ મોત નીપજ્યું હતું. 

વધુમાં મળતી વિગતો મુજબ પઢિયાર પરિવારના સુનિલભાઈ ઘરના મોભી હતાં. પરિવારમાં તેમની બે દીકરીઓને કલ્પાંત કરતા છોડી ગયા છે. ભાદરણ પી.એસ.આઈ. કે. એલ. ગાધેએ જણાવ્યું હતું કે, એક્ટિવા ઉપર જતા પરિવારને લક્ઝરી બસે ટક્કર મારી હતી.ે જેમાં માતા અને બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે પિતાને સારવાર અર્થે ખસેડતા તેઓનું મોત થયું હતું. આ અંગે સુનિલભાઈના બહેન રમીલાબેન અર્જુનસિંહ પરમાર (રહે. વડોદરા)ની ફરિયાદ આધારે ગુનો નોંધી લક્ઝરી ચાલકને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

(6:05 pm IST)