Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

આવતા ૪૮ કલાક સૌરાષ્ટ્રના દક્ષિણના દરિયાઈપટ્ટીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે : બાકીના છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટા : અશોકભાઈ પટેલ

વાવાઝોડુ નબળુ પડી ગયુ, કાલે સવારે દીવથી ૩૦ થી ૫૦ કિ.મી.ના અંતરે ડિપ્રેશનની માત્રામાં દક્ષિણ ગુજરાત તરફ ગતિ કરશે

રાજકોટ, તા.૬ : 'મહા' નામનુ વાવાઝોડુ નબળુ પડી ગયુ છે. આમ છતા આવતીકાલે સવારે દીવથી ૩૦ થી ૫૦ કિ.મી.ના અંતરે ડિપ્રેશનની માત્રામાં દક્ષિણ ગુજરાત તરફ ગતિ કરશે. જેની અસરરૂપે આવતા ૪૮ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના દક્ષિણના દરિયાઈપટ્ટીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. જયારે બાકીના છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટા વરસશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

હાલમાં અરબી સમુદ્રમાં લોપ્રેશર ૨૪.૮ નોર્થ ૬૭.૩ ઈસ્ટ એટલે કે દીવથી આશરે ૪૦૦ કિ.મી. પશ્ચિમ આંશિક દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી ૩૨૦ કિ.મી. દક્ષિણ પશ્ચિમે છે. આ સિસ્ટમ્સ હાલમાં મુખ્યત્વે પૂર્વ તરફ ગતિ કરી રહી છે. તેમજ હાલમાં ખૂબ જ નબળી પડી ગઇ છે. આમ છતા આ સિસ્ટમ્સ વાવાઝોડાના સ્વરૂપમાં છે જ અને આવતીકાલે સવારે દીવથી ૩૦ થી ૫૦ કિ.મી. દૂરથી પસાર થશે અને દક્ષિણ ગુજરાત ઉપર જશે અને નબળુ પડી જશે.  કાલે ડિપ્રેશનની માત્રામાં રહેશે.

તા.૮ સુધી એટલે કે આવતા ૪૮ કલાક સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયાઈપટ્ટીના વિસ્તારો જેમ કે, જૂનાગઢ, સોમનાથ, ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શકયતા છે. જયારે બાકીના વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટાની સંભાવના છે. તા.૮ બાદ પણ ૨ દિવસ આ સિસ્ટમ્સના અવશેષો અરબી સમુદ્રમાં ચક્કર મારતા રહેશે. કયાંક કયાંક ૩૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. જેથી હવામાન ખાતાની સુચનાને અનુસરવુ.

(3:32 pm IST)