Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

બનારસના એક સાધુની મદદથી મનીષા અને સુજીત ભાઉની ધરપકડનો રસ્‍તો ખૂલેલો

એક સપ્તાહ અગાઉ સીઆઇડી વડા આશીષ ભાટીયાને માહિતી મળતા જ ડીઆઇજી ગૌતમ પરમારના સુપરવીઝનમાં ડીવાયએસપી પીયુષ પિરોજીયા ટીમને પ્રયાગરાજ મોકલાયેલીઃ જેન્‍તીભાઇ ભાનુશાળીની હત્‍યાના આરોપી કઇ રીતે ઝડપાયેલ? રસપ્રદ કથા : આજ મોડી રાત સુધીમાં આરોપીઓને ગુજરાત લવાશેઃ ટ્રાન્‍જીસ્‍ટ રીમાન્‍ડ મેળવાયાઃ આરોપીઓ નેપાળ પણ ગયાની આશંકાઃ બે ડઝનથી વધુ બનાવટી સીમકાર્ડો સહિતની બાબતો અંગે પૂછપરછ કરવા સીઆઇડી હેડ કવાર્ટરમાં ધમધમાટ

રાજકોટ, તા., ૬: સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ કચ્‍છ-ભુજના રાજકીય અગ્રણી તથા ભાજપના એક સમયના ઉપાધ્‍યક્ષ જેન્‍તીભાઇ ભાનુશાળીની હત્‍યાના મામલામાં  ડીજીપી કક્ષાના સીઆઇડી વડા આશીષ ભાટીયાના માર્ગદર્શન હેઠળ અને ડીઆઇજી  ગૌતમ પરમારના સુપરવીઝન હેઠળની મૂળ રાજકોટના વતની એવા ડીવાયએસપી પિયુષ પીરોજીયા ટીમે ઉતર પ્રદેશના બનારસમાં જઇ મનીષા અને સુજીત ભાઉને કઇ રીતે ઝડપી લીધા તેની કહાની ખુબ જ રસપ્રદ અને જાણવા જેવી છે.

નાસી છૂટેલા બન્ને આરોપીઓએ પોતાના મોબાઇલ નંબર બદલી નાખ્‍યા હતા જેથી તેઓનું લોકેશન ટ્રેસ ન થઇ શકે પરંતુ આશીષ ભાટીયાના માર્ગદર્શન હેઠળની ટીમ વર્ક અને આશીષ ભાટીયાના રાજય બહારના મજબુત નેટવર્કને કારણે બદલાયેલા નંબરોની માહિતી મળી જવાથી મનીષા અને સુજીત ભાઉના ટેલીફોન ઓબ્‍ઝરર્વેશનમાં મુકાઇ ગયા હતા. એક એવી બાબત પણ બહાર આવી છે કે આરોપીઓએ  બે ડઝનથી વધુ સીમ કાર્ડો અલગ-અલગ નામથી મેળવી લીધા હતા.  આરોપીઓ પ્રયાગરાજ પહોંચ્‍યા તે પહેલા થોડો સમય નેપાળ પણ પહોંચ્‍યાનું સીઆઇડી સુત્રોને જાણવા મળેલ છે. જો કે આ તમામ બાબતોનો ઘટસ્‍ફોટ રીમાન્‍ડ દરમિયાન બહાર આવશે. ઉતર પ્રદેશની કોર્ટમાંથી આરોપીઓના ટ્રાન્‍જીસ્‍ટ રીમાન્‍ડ મેળવ્‍યા છે.

આરોપીઓને ગુજરાત લાવવા માટેની ટીમ આજ મોડી રાત કે પરોઢ સુધીમાં ગુજરાત પહોંચી જશે. આરોપીઓ અંગેની લીંક એકાદ સપ્તાહ પહેલા જ મળી ગઇ હતી અને પ્રયાગરાજમાં ખાનગી રીતે તપાસ ચલાવવા માટે સીઆઇડીની ટીમ મોકલવામાં આવી હતી.

ડીવાયએસપી પિયુષ પીરોજીયા ટીમ બનારસના એક સાધુને મળી તપાસ કરતા  તેઓએ બંન્નેને ઓળખી કાઢયા હતા. એ સાધુના કથન મુજબ મનિષા અને સુજીત ભાઉએ પોતે માર્બલના વેપારી હોવાનું કહી વ્‍યવસ્‍થા કરી આપવા કહયું હતું. આથી પ્રયાગરાજમાં એક જગ્‍યાએ વ્‍યવસ્‍થા કરી અપાઇ હતી. ડીઆઇજી ગૌતમ પરમારને તમામ બાબતોથી વાકેફ કરાઇ રહયા હતા અને ગૌતમ પરમાર સીઆઇડી વડા આશીષ ભાટીયા સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી  કઇ રીતે કરવી તેની દોરવણી આપતા હતા. દરમિયાન સીઆઇડીની ટીમ મનીષા સુધી પહોંચી ગઇ પરંતુ સુજીત હાજર ન હતો પોલીસે પોલીસની આગવી ઢબથી પુછપરછ  કરતા સુજીત ભાઉનું લોકેશન બતાવી દીધેલ. આમ બંન્નેને ઝડપી લેવાયા હતા. (૪.૬)

(12:02 pm IST)