Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

હોલિસ્ટિક હેલ્થકેર અંગે યોજાનાર પ્રિ-વાયબ્રન્ટ સમિટ મોકૂફ

તમામ માટે સારું આરોગ્ય અને સારું સ્વાસ્થ્ય’ વિષય ઉપરની પ્રિ-સમિટ ઈવેન્ટ પણ મોકૂફ રખાઈ

ગાંધીનગર:ગાંધીનગરમાં 7 જાન્યુઆરીના રોજ આયોજિત હોલિસ્ટિક હેલ્થકેર અંગેની પ્રિ-વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ધ લીલા ખાતે ‘હોલિસ્ટિક હેલ્થકેરઃ તમામ માટે સારું આરોગ્ય અને સારું સ્વાસ્થ્ય’ વિષય ઉપર પ્રિ-સમિટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનું ધ્યેય મેડિકલ અને વેલનેસ પ્રવાસન, ટેલિમેડિસિન તથા આરોગ્ય ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનું અને આયુષ યોજનાને સર્વગ્રાહી બનાવવાનું છે.

છેલ્લા થોડા દિવસમાં ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યમાં કોવિડના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઓમિક્રોન સહિત કોવિડ-19નો ફેલાવો મર્યાદિત કરવાના આશયથી વર્તમાન સ્થિતિની સમગ્રતયા સમીક્ષા કરી હતી. રાજ્યના તમામ નાગરિકોના વ્યાપક જાહેર હિતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાનાર 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
આમ, 7 જાન્યુઆરીએ યોજાનાર ‘હોલિસ્ટિક હેલ્થકેરઃ તમામ માટે સારું આરોગ્ય અને સારું સ્વાસ્થ્ય’ વિષય ઉપરની પ્રિ-સમિટ ઈવેન્ટ પણ મોકૂફ રાખવામાં આવી છે.

(8:32 pm IST)