Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

આણંદ:આંકલાવ પોલીસે આસોદર ગામ નજીકથી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

આણંદ : જિલ્લાની આંકલાવ પોલીસે ગઈકાલે ખડોલ(હ) તથા આસોદર ગામે તપાસ હાથ ધરી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્શોને ઝડપી પાડયા હતા જ્યારે સાયબર ક્રાઈમ પોલીસે રાસનોલ ગામેથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્શને ઝડપી પાડયો હતો. ઉપરાંત ઉમરેઠ પોલીસે સાંઈનાથ ચોકડી નજીકથી ચાઈનીઝ દોરીના ૧૭ નંગ ફીરકા સાથે એક શખ્શને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉત્તરાયણ પર્વના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લામાં કેટલાક દોરી પતંગના વેપારીઓ દ્વારા ખાનગી રાહે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હોવાનો ગણગણાટ વ્યાપ્યો છે. રાસનોલ ગામે ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાની માહિતી મળતા પોલીસની ટીમે રાસનોલના ઘોડાપુરા સીમમાં ઓચિંતો છાપો મારી વિશાલભાઈ વિનુભાઈ ચૌહાણને ચાઈનીઝ દોરીના નવ નંગ ફિરકા સાથે રંગેહાથ ઝડપી પાડયો હતો. સાથે સાથે પેટ્રોલીંગ કરી રહેલ ઉમરેઠ પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક શખ્શ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી લઈ મોટરસાયકલ ઉપર ઉમરેઠની સાંઈનાથ ચોકડી તરફ આવનાર છે. જેના આધારે પોલીસે સાંઈનાથ ચોકડી નજીક ગુપ્ત વોચ ગોઠવી મોટરસાયકલ લઈને આવેલ એક શખ્શને ઝડપી પાડયો હતો. જેના નામ-ઠામ અંગે પુછપરછ કરતાં તે ઠાસરા તાલુકાના અંગાડી ગામે આનંદપુરાનો કુલદીપસિંહ વિક્રમસિંહ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મોટરસાયકલ ઉપર મુકેલ થેલાની તલાશી લેતાં અંદરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૧૭ નંગ ફીરકા મળી આવ્યા હતા. પોલીસે એક મોટરસાયકલ તથા ચાઈનીઝ દોરી મળી કુલ્લે રૂા.૧૮૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(5:22 pm IST)