Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

વન્ય પ્રાણીનો શિકાર ઢોર બનશે તો પ૦ હજાર અને માનવ બનશે તો પ લાખની સહાય

વન્ય પ્રાણીના હુમલામાં માનવ મૃત્યુમાં ૧ લાખ અને પશુ મૃત્યુ સહાયમાં ૨૦ હજારનો વધારોઃ ઇજાની સારવાર સહાયમાં પણ વધારો : સાપ જેવા સરીસૃપોના ડંખથી થતા માનવ અને ઢોર મૃત્યુ સહાયનો ઉલ્લેખ નહિ થતા અસંમજસ

રાજકોટ, તા., ૬:  લાંબા સમયથી ખાસ કરીને ગીરના માલધારીઓ જેની રાહ જોઇ રહયા હતા તે સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. રાજયના વન વિભાગ દ્વારા વન્ય હિંસક પ્રાણીઓના હુમલાથી થતા માનવ અને પશુ મૃત્યુ તેમજ ઇજાના કિસ્સાઓમાં સહાયમાં વધારો કર્યો છે.

રાજયમાં આવેલા વન તથા અભ્યારણ અને તેની નજીકના વિસ્તારોમાં રહેતા માનવો તેમજ તેમના માલ-ઢોરના અવાર નવાર સિંહ, દિપડા જેવા વન્ય હિંસક પ્રાણીઓના હુમલામાં મૃત્યુ થતા હોય છે તો કયારેક ગંભીર ઇજાઓ થતી હોય છે. આવા કેસોમાં સરકાર દ્વારા ર૦૧પના ઠરાવથી સહાય જાહેર કરવામાં આવી હતી. જે ગઇકાલે નવા ઠરાવથી વધારી દેવામાં આવી છે.

અગાઉ હિંસક પ્રાણીઓ દ્વારા થયેલા હુમલામાં જો કોઇ પણ માનવનું મૃત્યુ થાય તો ૪ લાખ સહાય ચુકવવામાં આવતી હતી. જે ૧ લાખ વધારી પ લાખ કરવામાં આવી છે. જયારે દુધાળા પશુ જેવા કે ગાય, ભેંેસ, ઉંટ, ઘેટા-બકરાના મૃત્યુના કિસ્સામાં પણ આર્થિક સહાયનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ગાય, ભેંસના મૃત્યુ માટે ૩૦ હજારની સહાય ચુકવવામાં આવતી હતી. જે વધારીને પ૦ હજાર કરવામાં આવી છે.

અગાઉ ઉંટ મૃત્યુ પામે તો ૩૦ હજાર ચુકવાતા હતા જે વધારીને ૪૦ હજાર કરવામાં આવ્યા છે. જયારે બીન દુધાળા ઉંટ, ઘોડા, બળદની મૃત્યુ સહાય દર રપ હજાર જેમના તેમ રાખવામાં આવ્યા છે. પાડો-પાડી, ગાય-વાછરડી, ગધેડો, પોની વગેરે વન્ય પ્રાણીના હુમલામાં મૃત્યુ પામે તો ૧૬ હજાર ચુકવાતા હતા જે હવે વધારી ર૦ હજાર કરવામાં આવ્યા છે.

હિંસક પ્રાણીઓના હુમલામાં કોઇ માનવીને ઇજા થાય અને ૪૦ થી ૬૦ ટકા અપંગતા આવે તો અગાઉ પ૯,૧૦૦ સહાય ચુકવવામાં આવતી જે વધારીને ૧ લાખ કરવામાં આવી છે. જયારે ૬૦ ટકા અપંગતાના કિસ્સાની સહાય ર લાખ યથાવત રાખવામાં આવી છે. અગાઉ ઇજાગ્રસ્ત વ્યકિત ૩ દિવસ કે તેથી વધુ સમય હોસ્પીટલમાં રહે તો સહાય રૃા.૪૩૦૦ ચુકવવામાં આવતી હતી જે વધારીને ૧૦ હજાર કરવામાં આવી છે. ઘેટા-બકરા ભોગ બને તો અગાઉ ૩ હજાર ચુકવવામાં આવતા હતા જે વધારીને પ હજાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા થયેલો નિર્ણય ગીરના માલધારીઓ માટે  ઉપયોગી બનશે પરંતુ  આ નિર્ણયમાં સાપ સહીતના સરીસૃપોના ડંખથી થતા માનવ અને ઢોર મૃત્યુની સહાય સબંધીત કોઇ ચોખવટ કરવામાં આવી નથી. જે મહત્વની અને જરૃરી છે.  જેને લઇને અસંમજસ ફેલાઇ છે. આ મામલે વન પર્યાવરણ વિભાગ ઝડપથી ચોખવટ કરે તેવી જાણકારોમાં માંગણી ઉઠી છે.

(1:09 pm IST)